________________
૩૫૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૯-૫-૩૩ વિવેકને અંગ મનુષ્યપણાને શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. મનુષ્યોમાં આસ્તિક નાસ્તિકનો વિભાગ આથી જ થયો છે. કોઈપણ આસ્તિકમતવાળો ગયા કે આવતા ભવની માન્યતા વગરનો હોતો જ નથી એ મૂળ વાત આપણે આથી નક્કી કરી શક્યા. ગયા ભવના સંસ્કારવાળો ન હોય તો પણ ગુરુતત્વની આરાધના તથા ધર્મતત્વની આરાધના થાય પણ દેવ તત્વની વાસ્તવિક આરાધના ગયા ભવના સંસ્કાર વિના કરાય નહિ દેવથી જ દેવપણાની શરૂઆત થાય તેવો નિયમ નથી, તીર્થકર મહારાજ વિદ્યમાન ન હોય ત્યારે પણ તીર્થંકર નામ કર્મ બાંધી શકાય છે તે ગુરુને જ આધારે; ગુરુથી ઉપદેશ મળે તો ધર્મ પામે.” વીસ સ્થાનકની આરાધના કરવાની બુદ્ધિ જાગે તથા આખા જગતને તારવાની બુધ્ધિ થાય.” વિગેરે અનેક લાભો ગુરુ દ્વારાએ થાય છે આપણે ડૂબી રહ્યા છીએ એવું ભાન ચોવીસ કલાકમાં ક્યારે આવ્યું ? અને જો ન આવ્યું તો આપણે તરીએ એ વિચાર ક્યાંથી આવે ? જ્યારે પોતા માટે આ વિચાર ન આવે તો આખું જગત ડૂબી રહ્યું છે તથા તેને તારીએ તેવો વિચાર તો આવે જ શાને? આ આત્મા મિથ્યાત્વ, અવિરતિ, કષાયાદિ અગાધ જળમાં ડૂબી રહ્યા છે તે વિચાર આવ્યો? આત્મા ઉપર આઠે કરમનાં આઠે પડ વળી ગયાં છે. પોતે ડૂબે અને પર તારે એવી ચીજ પ્રાયઃ જગતમાં તો નથી. પોતે તરે બીજાને ન તારે એવી ચીજ દડા સરખી છે તેમ પોતાના આત્માને ડૂબતો બચાવીએ નહિ અને બીજાને તારવાની વાતો કરીએ તે બને નહિ. પોતે અને આખું જગત ડૂબી રહેલ છે, અને આખા જગતને કેમ તારું આવી ભાવનાવાળો આત્મા તીર્થંકર થાય છે. હવે એનાથી ઊતરતી ભાવના એ કે આખા જગત ને તારવાની શક્તિ પોતામાં નથી પણ કુટુંબને તારું આવી ભાવનાવાળો આત્મા ગણધર થાય છે. પણ આજકાલ તો એ સ્થિતિ છે કે “મહાજન મારા માથ પર પણ ખીલી મારી ખસે નહિ” “દેવ તરણતારણ, ગુરુ ભવભય નિવારણ તથા ધર્મ સંસાર સમુદ્રમાં જહાજ આ બધું કબુલ ! કબુલ ! કહો એટલી વાર કબુલ !! પણ કુટુંબ, સ્ત્રી, પુત્ર, પુત્રી, વહુ વિગેરે પરિવાર રૂપ એક પણ ખીલી ખસેડવાની અર્થાત્ આમાંથી કોઇના ઉદ્ધારની વાત કરવી નહિ!” આજે આ ભાવનાથી ભરેલા જીવો છે કે નહિ તે માટે તમારા હૃદયને પુછી જુઓ ! આપણાં છોકરાંને દેવગુરુ ઓળખાવીએ છીએ, દેરે ઉપાશ્રયે મોકલીએ છીએ, સામાયિકાદિ કરાવીએ પ્રતિક્રમણ અને પોસહાદિ કરાવીએ છીએ પણ આ બધામાં ભાવના કઈ? આ બધા દ્વારા સર્વવિરતિ પમાડવાની ભાવના હોવી જોઈએ પણ છે કઈ? “ત્યાગને રસ્તે કોઈ જવો જોઈએ નહિ ઘરમાં રહીને બધું કરોઃ' આ ભાવના છે કે નહિ ? દેવ, ગુરુ, ધર્મને શ્રેષ્ઠ તરીકે, પરમતારક તરીકે ઓળખાવ્યા એ વાત ખરી પણ પોતાના કુટુંબને ત્યાગી કરવાની, મિથ્યાત્વાદિ કર્મનાં કારણોથી બચાવવાની ભાવના આવી ? આ તો એક જ વાત કે દેવાદિ દેવ એ બધું ખરું પણ મારા સંસારની એક પણ ખીલીને સહેજ પણ હલાવવી નહિ ! શાસન એટલે ત્યાગમય પ્રવૃત્તિની અસ્મલિત સ્થિતિ, આખા જગતને ત્યાગમય બનાવવાની ભાવનાવાળો તીર્થંકર થાય; તે ન થાય તો કુટુંબને તારવાની ભાવનાવાળો ગણધર થાય; માટે ગુરુત્વ ઉપર જ દેવતત્વની જડ રહી. વળી શ્રી તીર્થકરે પણ પહેલા ભવમાં ધર્મ કર્યો હતો તેથી જ વર્તમાન ભવમાં તીર્થકર થયા માટે દેવતત્વનો આધાર ગુરુતત્વ તથા ધર્મતત્વ ઉપર રાખવો જોઈએ. આવું એકાંતે સમર્થન કરનારાએ જાણવું જોઈએ કે ગુરુતત્વ તથા ધર્મતત્વ પ્રગટાવ્યા કોણે ? ગુરુ તથા ધર્મ તત્વનો આધાર દેવતત્વ પર જ છે. આપણે ગુરુ કોને માનીએ છીએ ? શ્રી તીર્થંકર દેવના વચનાનુસાર ચાલે તેને જ ગુરુ માનીએ તો હવે બે તત્વમાં મૂળ કોણ ? દેવ કે ગુરુ? કહેવું પડશે કે દેવ ! !
ધર્મતત્ત્વનો આધાર, શાસ્ત્રની ઉત્પત્તિ વિગેરે અગ્ર વર્તમાન.