________________
૨૯૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ છે તો તેઓ પણ આવું દુર્લક્ષ્ય કેમ કરે છે ? જો આ બધું માત્ર પોતાનાં પૂજનાર્થે જ હોય તો તો કહેવું જ પડશે કે તેઓ ભયંકર જુલમ આચરે છે પણ તેમ નથી. પૃથ્વીકાય અપકાય , વિગેરેનું રક્ષણ સાધુઓના પ્રાણના ભોગે કરવામાં આવ્યું તે જેમ સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર માટે છે એવું આપણે ઉપર જોઈ ગયા એ બધું દુર્લક્ષ્ય પણ સમ્યગ્ગદર્શન, જ્ઞાન, ચારિત્ર માટે જ છે. આ બધા દુર્લક્ષ્યોમાં પરમ ઉપકારી જ્ઞાનીઓનું એક જ ધ્યેય છે કે ભવ્ય જીવો ક્રમસર પણ કોઈપણ રીતે સર્વવિરતિ પ્રાપ્ત કરે. દ્રવ્યદયા મહેતલ છે, ભાવદયા માફી છે.
જ્યારે સીતા દીક્ષા લેવા ગયાં ત્યારે તદભવ મોક્ષગામી શ્રી રામચંદ્ર સરખા શલાકા પુરુષ પણ મૂચ્છ પામી ગયા. શીત ઉપચારોથી ચેતનામાં આવ્યા બાદ પણ “જ્યાં હોય ત્યાંથી સીતાને પકડી લાવો, લોચ કરીને બેઠેલ હોય તો પણ પકડી લાવો વિગેરે ફરમાનો છોડે છે, ધનુષ્ય બાણ ધારણ કરી ધમપછાડા કરે છે. શલાકા પુરુષના આવા ધમપછાડા જોઈને પણ જયભૂષણ કેવળી સીતાને દીક્ષા દેવામાં જરા પણ ગભરાતા નથી. ભાવપ્રાણથી વિભૂષિત બનેલ જીવન પર જેઓ નિર્ભર છે તેઓ ભાવદયાને અગ્રપદ આપ્યા વિના રહેતા નથી. આખા જગતની દ્રષ્ય દયાના ભોગનો ભાવદયા પાસે હિસાબ નથી. દ્રવ્યદયા તથા ભાવદયાનું સ્વરૂપ સમજો ! દ્રવ્ય દયા મહેતલ (મુદત)રૂપ છે. લાખ રૂપિયાનો લેણદાર લેણું વસૂલ લેવા આવ્યો હોય ત્યારે કોઈ વચ્ચે પડીને અમુક મુદત ઠરાવે અગર કાંધા કરી આપે એનો અર્થ દેવાદાર દેવાથી મુક્ત થયો એમ નહીં પણ જરૂર અમુક મુદત સુધીનો દિલાસો મળ્યો. તેવી રીતે કોઈને દુઃખી દેખી તમે તેના દુઃખનો નાશ કરો છો તે માત્ર દુઃખરૂપ દેવાના ભરણાની મુદતને આથી ઠેલો છે અર્થાત્ એ દ્રવ્ય દયા માફીરૂપ નથી પણ મહેતલરૂપ છે. દ્રવ્ય દયાથી સામાના કર્મનો નાશ થતો નથી. અમેરિકા પોતાના લેણાને અંગે છે, બાર મહિનાની મુદત વધારી દેવાદાર દેશોને રાહત આપે છે ને ! આવી મુદત તે દેવાદાર દેશને ટકાવનાર થઈ પડે છે બબ્બે તે મુદતથી સ્થિતિમાં સુધારા વધારો પણ કરી શકાય. જો આ રીતે મુદત ન અપાય તો દેશ ડૂબી પણ જાય. મુદત (મહેતલ)ની પ્રથા હલકી કે વિસાત વગરની છે એમ ન માનશો ! દ્રવ્યદયા પણ તેવી જ રીતે કિંમતી છે પણ જેમ મુદત કરતાં માફી વધારે કિંમતી છે તેમ દ્રવ્યદયા કરતાં ભાવદયા વધારે કિંમતી છે. માફીમાં તો દેવું માફ જ થાય છે જ્યારે મુદતમાં દેવું ભરવાનું ઊભું જ છે. ભાવદયામાં તો કર્મનાં બંધનો તોડવાનાં છે જ્યારે દ્રવ્યદયામાં તો તે કર્મો આગળ પણ ભોગવવાનાં તો છે જ. તમે ગાય, બકરાં વિગેરેને છોડાવ્યા, અભયદાન દીધું એટલે મોતથી સદંતર બચાવ્યા એમ નહીં પણ મોતમાં મહેતલ નાંખી. એ દ્રવ્યદયાથી વર્તમાનનું દુઃખ ગયું. મહેતલ પણ કાંઈ ઓછી કિંમતી ચીજ નથી. પ્રદેશ રાજા નાસ્તિકપણામાં મર્યો હોત તો શું થાત ? સમજ્યા પછી મર્યો તો એના ભવ સુધર્યો ! જ્યારે દ્રવ્યદયાએ મહેતલ છે ત્યારે ભાવદયા એ કર્મથી છૂટાછેડા કરાવનાર છે.