________________
કર્મ સંગ્રામમાં ઝંપલાવવા ભાગવતી દીક્ષાના શરણે જતાં લક્ષ્મીચંદભાઈને !
ઓસવાલ જ્ઞાતીના જવાહીર, નગીનભાઈ ઝવેરીના કુળમણી, ગુલાબમાતાના કુક્ષી સરોવરના હંસ, લક્ષ્મીદેવીના લાડીલા નંદન ! તારી આ પુનીત આચરણા માટે તને ધન્ય હો ! કોડો ધન્ય હો! તારા અમો ઓવરણાં લઈએ છીએ.
ભોગસુખની સામગ્રીના ઢગ છતાં, મોહમસ્તિના પુર હૅતા છતાં, આ ભોગકાળના સમયમાં તમારી આ ચારિત્રભાવના ભલભલાના હૃદયને ડોલાવે તેવી છે. આ જોતાં તમને તમારો ચિરકાળ આરાધીત ધર્મ કલ્પ વૃક્ષ ફલ્યો છે. પૂણ્યતરૂ નવપલ્લવીત બન્યો છે. મોહરાયે પીઠ બતાવી છે. અને રત્નત્રયી મીઠી દ્રષ્ટિથી આપને નિહાળી રહી છે. અન્યથા વિષમકાળના વિકારી વાયરા જ્યારે વાઈ રહ્યા છે, ત્યારે આ ભલભલાને દુલભ ત્યાગના સ્વપ્નાએ તમને ક્યાંથી હોય ?
તમોએ તમારી આ પવિત્ર આચરણાથી, તમારી જ્ઞાતીને દીપાવી છે, તમારા કુળને સાત પેઢીને, માતા અને પિતાના બન્ને પક્ષને ઉજ્જવળ કર્યા છે. લક્ષ્મીચંદ નામ ધરાવી છતી લક્ષ્મીને ઠોકર મારવામાં, વૈભવોને વિસારી દેવામાં, સંબંધીઓના મોહને લાત મારવામાં અને એ બધાને ભવભ્રમણ કરાવનાર સમજી, ત્યાગના દીવ્ય તપ આદરવામાં અને એમાંય આલંબનરૂપ ગુરુની શોધ કરવામાં શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજીના શાસનપ્રેમી સમુદાયને પસંદ કરવામાં આપ ઝવેરી હોઈ, પરીક્ષા કરવામાં સાચી ઝવેરી બુદ્ધિ વાપરી છે. આપની એ અદ્દભુત બુદ્ધિ તથા વીર્યશાળી પરાક્રમો માટે ક્રોડ ધન્યવાદ હો !
લક્ષ્મીચંદભાઈ ! પૂણ્યોદયથી-પ્રભુત પુણ્યોદયથી, માર્ગાનુસારી, સમ્યકત્વ, દેશવિરતિરૂપ શાસન મહેલની ત્રણ સીડીને પણ વટાવી જઈ સર્વ વિરતિરૂપ ચોથી કહો કે અંતિમ સીડી પર આરૂઢ થવા ઉજમાળ થયા છો-ભાગ્યવાન નીવડ્યા છો, એ આપના અદ્ભૂત ભાગ્યની અમો પુનઃઅનુમોદના કરીએ છીએ. અમો ખંભાતીઓને એ સદભાગ્ય સાંપડવાથી ગર્વ લઈએ છીએ.
લક્ષ્મીચંદભાઈ ! ભાગવતી દીક્ષાના પુનીત માર્ગે સંચરી ગુર્વાશામાં આપનું સર્વસ્વ હોમી દેજો. જીનાગમના બોધમાં આત્માને તરબોળ કરજો. ક્રિયારૂપી વસ્ત્રો પહેરી, જ્ઞાન ખડગને કરમાં ધરી, જિનાજ્ઞાના સચોટ અમલરૂપ બખ્તરથી સજ્જ થઈ. કર્મ સંગ્રામમાં ઝુકાવજો. તાકાત નથી એ મોહરાયની કે તમારા સામું જોઈ શકે. જો આટલું કરો તો ઇષ્ટ સિદ્ધિ હથેલીમાં સમજો. શિવસુંદરી વરમાળ આરોપવા તત્પર થયેલી સમજો.
ઘડી પછીના આ યુવાન સાધુ! અમારી એ પ્રાર્થના છે કે તમો યુવાનોના સંચાલક બનજો. સત્ય જીન વાણીના ધોધ વર્ષાવી શાસન સામે મોરચો માંડી બેઠેલા તોફાનીઓની સાન ઠેકાણે લાવવા અને પવિત્ર જીન શાસનને રક્ષવા તમારી સમગ્ર શક્તિને હોમી દેજો.
જીનેશ્વર પ્રરૂપીત આગમોના એક પદને પણ નહી સદહનાર જમાલી જેવા અને ગોષ્ટામાહીલ, ત્રિરાશીયા જેવા નાન્હવીને જે શાસને ઘડીના છઠ્ઠા ભાગમાં દુર ફેંકી દીધા એ પવિત્ર શાસનને પૂણ્યોદયે પામી એને તમારા પવિત્ર ચારિત્રથી, સત્યોપદેશથી જરૂર દીપાવજો અને કોઈ અમીદ્રષ્ટિ પ્રસારી તમારા જુના સહવાસીઓને ઉદ્ધારજો. હમણા આટલો આશીર્વાદ ઘડી પછી તમારા ચરણમાં શીર ઝુકાવવા તત્પર રહેલ
અમો
યંગમેન્સ જૈન સોસાયટીના મંત્રીઓ નોંધ :-ભાઈ લક્ષ્મીચંદના આદર્શ જીવન વિષેનું વિસ્તારથી વર્ણન વાંચવા માટે આવતો અંક જરૂર વાંચો. તેઓશ્રીએ પૂજ્યપાદ આચાર્યશ્રી લબ્ધસૂરીશ્વરજી પાસે પ્રવજયા ગ્રહણ કરી લક્ષ્મીચંદ મટી લલીતાંગ વિજ્યજી બન્યા છે અને પૂજ્યપાદ આચાર્યદેવના શિષ્ય છે.
- તંત્રી.