________________
૧૧૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨ ગચ્છ સંરક્ષણના કાર્યોની સંભાળ રાખવી એ જ ઉપાધ્યાયનું કામ છે !!
ધર્મના સંસ્કારો ત્યાગી ઉપદેશકો દ્વારા છે. નંદમણિયાર સરખાને કયો વિચાર આવ્યો તે આપણે જોઈ ગયા. પાણીથી સર્વ પ્રાણીને આશ્વાસન મળે છે માટે જળાશયો કરાવવાં એ જ ખરો ધર્મ અને તે જ આદરવો આવો વિચાર એને આવ્યો. શાસ્ત્રકારે અહીં મિથ્યાત્વ કહ્યું. ઘણા કાળ સુધી સાધુઓના સમાગમના અભાવથી એક વખતના સમ્યગ્દષ્ટિ તથા ક્રિયાનુરંત આત્માને પણ આ પરિણામ આવ્યું. હવે કહો કે આને બચાવનાર ઉત્તરસાધક ક્યા? આચાર્યાદિ ત્રણ (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ) એ આચાર્યની દેશના દ્વારા જ ત્યાગમાર્ગ બતાવનાર ઉપાધ્યાય પણ કેવા હોય ? ગચ્છની સારણા, વારણા, ચોયણા અને પ્રતિચોયણા વિગેરે ગચ્છ સંરક્ષણના કાર્યોની સંભાળ રાખનારા, આદરનારા તે ઉપાધ્યાય! આને આજે ઘણાઓ પંચાત તરીકે ઓળખાવે છે ! કેટલી નાસમજ? રાજ્યની રક્ષા માટે થતા લશ્કરના ઉદ્યમ, વ્યવસ્થા અને બચાવની યુક્તિપૂર્વક ગોઠવણ કરનારને રાજ્યનો કયો વફાદાર વર્ગ ખટપટ કે ઝંઝટ કહેવા તૈયાર થાય ? કદાચ એવો કોઈ વર્ગ હોય તો તેને દેશમાં રાખવાલાયક ખરો ? એવા વર્ગને છૂટો ફરવા દેવો એને પણ સરકાર ભયંકર ગણે છે, તેવી રીતે આ ગચ્છની પણ વ્યવસ્થા તેના સંરક્ષણ ખાતર લશ્કરની ભરતીને ખટપટ ગણનારા જૈનશાસનમાં ફરવાને પણ લાયકાત ધરાવતા નથી. લશ્કરની ફરજને વગોવવામાં આવે તો લશ્કર બેવફા થઈ જાય. એ હેતુથી એવાઓ આજે ત્યાગી રૂપ લશ્કરની ફરજોને વગોવી રહ્યા છે. તેવી રીતે વળી, શાસનમાં થતી દીક્ષા, વડી દીક્ષા, યોગ વિગેરેને ઝંઝટ કે પંચાંત તરીકે પ્રસિદ્ધ કરનાર પણ કેવા ગણાય ? શાસનદ્રોહી શબ્દ સાંભળતાં ક્લેશ થતો હોય તો તે ક્લેશના ફળમાં હું તો એ જ ઈચ્છું છું કે શાસનદ્રોહીપણું ત્રિવિધ ત્રિવિધ વોસિરાવો !! શાસનની વ્યવસ્થાને ખટપટ તરીકે જાહેર કર્યો તો તમે શાસનના દ્રોહી જ છો. દેશહિતેચ્છકોને ફક્ત જે સાથ જ ન આપે તેટલા માત્રથી પણ તેને દેશદ્રોહી માનો છો, તો તેના વ્યવસ્થાપકોની કાર્યવાહીને ખટપટ તરીકે પ્રસિદ્ધ કરે તેને કેવો માનો ? તેવીજ રીતે શાસનમાંથી કોઈ છૂટો પડે તો તેને દ્રોહી કેમ ન માનવો? તમારી પાસે લેવાદેવાનાં કાટલાં જો એક જ હોય તો ન્યાય પુર:સર કબુલ કરો કે શાસનને નુકશાન કરે એટલું જ નહીં પણ અલગ રહે તો પણ તે શાસનદ્રોહી જ કહેવાય. દેશને અંગે જે પ્રમાણે દેશદ્રોહીની વ્યાખ્યા કરો છો તે જ પ્રમાણે શાસનને અંગે શાસનદ્રોહીની વ્યાખ્યા કરી લો, તો પછી તેવા કોણ છે તે આપોઆપ ખબર પડે. શાસ્ત્રકાર ફરમાવે છે કે ગચ્છમાં કોણ ભૂલે છે તેને સારણાદિક કરવામાં નિયુક્ત એ જ ઉપાધ્યાય, ઉપાધ્યાયનું કામ જ એ, ઉપાધ્યાય એટલે કે આચાર્ય ભગવાન તરફથી મળેલા અધિકારના મુખ્ય અધિકારી ! એક લશ્કરની ટુકડી પર રાજાએ જનરલ અથવા કર્નલ નિયત કર્યો હોય તો તેણે તેની ફરજ બજાવવી જ જોઈએ. ગચ્છની સારણાદિકમાં આચાર્યું જેને નિયુક્ત કર્યા હોય તે જ ઉપાધ્યાયો! તેમનું કાર્ય એ જ કે ગચ્છમાં ભૂલતાને યાદ કરાવી દેવું, વારંવાર યાદ કરાવવું. આ બધું કરવું તે કામ ઉપાધ્યાયનું છે. જેમ મંત્ર સાધવા પેઠેલાની જોડે ઊભેલા ઉત્તરસાધકનું કામ એ જ કે તેણે ચારે તરફ દ્રષ્ટિ રાખવી અને ક્ષણ ક્ષણનો બનાવ ધ્યાનમાં રાખવો, તેવી રીતે ઉપાધ્યાયને ગચ્છમાં બનતા દરેક બનાવોની અને તેથી નિવૃત્ત થયેલા આચાર્યને બહારના બનાવોની દેખરેખ રાખવાની છે !!! ઉપાધ્યાય સારણાદિક કાર્યોની અંદર આચાર્ય તરફથી નિયુક્ત થયેલા હોય. સારણાદિક કરવામાં આવે તો પણ મૂળ વસ્તુ (સૂત્રાર્થ) ન આવે તો તે સારણાદિક પણ ફાયદો ન કરે. અંદર શ્વાસ ન હોય તો કપડાં–દાગીના વિગેરે શરીરને શોભાવતાં જ નથી. શ્વાસ તરીકે સુતલ્થ” દાન સમજો.