________________
શ્રી સિદ્ધચક્ર .
તા. ૧૩-૧૧-૩૨ આ સ્થાવર અને જંગમ એ બન્ને મિલકતોને અવિચ્છિન્ન રાખવાની સાચી ભાવના જાગી છે ? આ બે સંસ્થાઓ વડે જ મારો તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાનના આત્માઓનો ઉદ્ધાર થયો, થાય છે ને થવાનો છે એવી જાગૃતિ આવી છે ? દરેક કાળે આત્માના ઉદ્ધારને યોગ્ય તો આ જ સંસ્થાઓ છે એવા કેવળી મહારાજના કથનમાં સાચી શ્રદ્ધા થઈ છે ? ઉત્તમ કુળ, મનુષ્યભવ અને સર્વજ્ઞ ભાષિત ધર્મ એ ભવાન્તરમાં આ આત્માને શોધ્યાં પણ નહીં જડે માટે એમ સમજાયું છે ? જો તેમજ હોય તો સાધ્યની સાચી સિદ્ધિ માટે “કાર્ય સાધયામિ” એ સૂત્રનો રણકાર આત્માના એકેએક પ્રદેશમાં પાઠવી દે!
કુંભકર્ણની ઘનઘોર નિદ્રામાં દિશાને જ ભૂલી ગયેલા એવા ધ્યેય શૂન્ય સત્તાધારીઓ સંસ્થાના સંરક્ષક તો નથી જ પણ નાશ કરનારા છે. વાંચક મહાશય ! પવિત્ર અને નામાંકિત સંસ્થાઓના જો તેવા જ સત્તાધારીઓ છે એવું જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે માલુમ પડે ત્યારે તેની ગમે તેવી કારમી સત્તાને પણ ગમે તે પ્રયાસે ત્વરિત દૂર કરે જ છૂટકો એવો નિશ્ચય કરજે ! સંચાલકોમાં સાધ્યનું બિન્દુએ ન હોય તો તેવા નામધારી શેષજીવીઓથી સમાજને કશોએ લાભ તો નથી પણ એકાને હાનિ જ છે. નામે કરીને ઘણા ભગવાન દીઠા પણ તે ગુણ સિવાય પુજાયા નથી અને પુજાવાના પણ નથી જ !!!. આવી સંસ્થાઓ પ્રત્યે પણ દાનેશ્વરીઓની આવી પ્રમાણપુરઃ સરની અનેક દલીલોને તેં સાંભળેલી અથવા તો અનુભવેલી હોય તો તેને માટે ઘટતું કરવા તત્પર થજે ! હજુએ તારું મન પણ તે પ્રત્યે આંખ મીંચામણાં કરવા જ પ્રેરણા કરતું હોય તો માની જ લેજે કે દાતાઓના દિલમાં કારી ઘા કરનારમાંનો તું પણ એક છે. ધર્મજનોના દિલમાં પણ છુપાયેલી ભયંકરતા તો ભારે મુશ્કેલીઓ ઊભી કરે છે તો સામાન્ય રીતે નીતિમાર્ગનું પણ સફાઈથી ઉલ્લંઘન કરી જનારા સંચાલકોની કરપીણ કુટીલતાઓ સમાજ ઉપર ક્યારે અને કેવો કોપ વરસાવે તે કોણ કહી શકે ! આપણો તો આશય એ છે કે ચેતનના વિકાસનો હરપળે વિકાસ જ ઇચ્છનારા મહાનુભાવોએ જગતને ખૂણે ખૂણે ફરી વળી આવી સંસ્થાઓના સંચાલકોની પ્રથમ પગથીયે શુદ્ધિ કરવાની પરમ આવશ્યકતા છે, જો આટલું પણ લક્ષ આપવાનું બને તો અત્યારની પણ તે દરેકે દરેક સ્થાવર સંસ્થાઓના જ એકેએક રજકણોમાંથી ધર્મ અને ધર્મની જ છોળો ઉછળે અને જંગમ સંસ્થાઓના સંચાલકોના એક એક પ્રદેશમાંથી એવું તો ઓજસ પ્રગટે કે જે શ્રી વીર અને શ્રી ગૌત્તમવત્ જગતભરને મહાન ઉપકારનું ધામ નીવડે !!! સુશેષ કિ બહુના.