SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ 179 Vol. XLI, 2018 ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા ભૌતિક અણુવાદ ભૌતિક જગત પરત્વે આપણે ત્યાં મુખ્ય બે પરંપરાઓ છે : એક અણુવાદી અને બીજી પ્રકૃતિવાદી, અણુવાદીમાં પહેલાં ચાવકો આવે. તેઓ આખું જગત ભૌતિક તત્ત્વમય માનતા, અને એમાં ગ્રીક ચિંતકોની પેઠે, ચાર કે પાંચ મૌલિક તત્ત્વનો સમાસ કરતાં. એ તત્ત્વોની સૂક્ષ્મતા પણ તે કાળમાં બહુ દૂર સુધી ગયેલી નહીં; ઇન્દ્રિયગમ્ય થઈ શકે એવાં ભૌતિક તત્ત્વો એ જ ઘણું કરી એમને મતે મૂળ અને પ્રાથમિક તત્ત્વ હતાં. પણ કાંઈક નિરીક્ષણ અને વિશેષે તો કલ્પનાએ ચિંતકોને ઊંડાણ ભણી પ્રેર્યા. તેમણે કપ્યું અને સ્થાપ્યું કે વધારેમાં વધારે શક્તિ ધરાવનાર ઇન્દ્રિયો જે દેખી શકે તેથી પણ અતિસૂક્ષ્મ તે તે ભૌતિક અણુઓ હોવા જ જોઈએ. આ વાદ વૈશેષિક પરંપરારૂપે વિકસ્યો અને વૈશેષિકો અતીન્દ્રિય પરમાણુવાદ સુધી ગયા. તેમણે એ પણ કહ્યું કે પૃથ્વી, પાણી આદિ ભૌતિક તત્ત્વોના અંતિમ પરમાણુંઓ અતીન્દ્રિય છે, પણ તે પરસ્પર તદ્દન વિજાતીય છે. એટલે પાર્થિવ પરમાણું કદી પાણી કે તેજ આદિરૂપે બદલાઈ ન શકે. આ વૈશેષિક વિચારધારાથી આગળ વધનાર અણુવાદીઓ પણ અસ્તિત્વમાં આવ્યા. તેઓની વિચારધારા વૈશેષિક કહેવાતી વિચારધાર પછી જ અસ્તિત્વમાં આવી કે પહેલાં યા સમાનાન્તર – એ કહેવું સરળ નથી. પણ એ વિચારધારા વૈશેષિક વિચારધારાથી વધારે સૂક્ષ્મ અને વધારે સત્યની નજીક છે, એટલું તો ચોક્કસ. આ વિચારધારા જૈન પરંપરામાં બહુ વિસ્તાર પામી છે. તેણે કહ્યું અને સ્થાપ્યું કે પાર્થિવ આદિ ભૌતિક પરમાણુઓ તે તે વ્યવહાર્ય ગુણધર્મને કારણે ભલે જુદા કહેવાતા અને મનાતા હોય, પણ મૂળમાં એ પરમાણુઓમાં કોઈ પાર્થિવત્વ આદિ સ્વતઃ સિદ્ધ વિભાજક તત્ત્વ નથી. પરિસ્થિતિ અને પરિવર્તનવશ જે પરમાણુ પાર્થિવ હોય તે સંયોગ બદલાતાં જલીય પણ બની શકે અને વાયવીય પણ. જેમ આ પરંપરાએ પરમાણુઓમાંના સ્વતઃસિદ્ધ વિભાજક તત્ત્વને લોપી નાખ્યું, તેમ એણે સૂક્ષ્મતાની દિશામાં પણ બહુ જ વિશેષ પ્રગતિ કરી. વૈશેષિક પરંપરામાં મનાતો અંતિમ પરમાણુ જૈન કલ્પના પ્રમાણે એક મોટો સ્કંધ યા અનંત અવિભાજ્ય પરમાણુઓનો સમુદાય બની ગયો. આ અણુવાદની પ્રક્રિયા એથી એ આગળ વધી. બૌદ્ધ પરંપરાએ પરમાણુ માનવા છતાં કહ્યું કે પરમાણુનો એવો અર્થ નથી કે કોઈ એક દ્રવ્ય સદા ધ્રુવ રહે અને તેમાં ગુણધર્મો રૂપાંતર પામતા જાય પણ એનો અર્થ એ છે કે એવું કોઈ ધ્રુવ પરમાણુ-દ્રવ્ય ન હોવા છતાં તેના ગુણધર્મોની પ્રતિસમય નવીનવી બદલાતી ધારા ચાલ્યા જ કરે છે, એ અવિચ્છિન્ન ધારા તે જ દ્રવ એટલે પ્રવાહરૂપે વહેતી હોવાથી દ્રવ્ય કહેવાય છે. આમ બૌદ્ધ પરંપરાએ પહેલેથી મનાતા એક ધ્રુવ પરમાણુનો છેદ ઉડાડી તેના સ્થાનમાં પ્રતિસમય યા પ્રતિ ક્ષણ ઉદય પામતા નવા-નવા રૂપ, રસ આદિ ગુણધર્મોને જ પરમાણુ માન્યા. ટૂંકમાં ઉપર સૂચિત પરમાણુવાદને લગતી ચાર કલ્પનાઓ ભારતીય તત્ત્વજ્ઞાનમાં છે, એની આસપાસ અનેક કલ્પનાઓની સૃષ્ટિ ઊભી થયેલી છે, પણ મૂળમાં આ ચાર જ છે. ભૌતિક પ્રકૃતિવાદ ભૌતિક જગત પરત્વેની બીજી પરંપરા તે પ્રકૃતિવાદી, જે સાંખ્ય પરંપરા તરીકે સુવિદિત છે.
SR No.520791
Book TitleSambodhi 2018 Vol 41
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2018
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy