________________
152
કાનજીભાઈ પટેલ
SAMBODHI
દૂર દેશાવર પણ જવું પડતું અને ઉત્તમ રસોઈયાઓ માટે પાકશાસ્ત્ર ઉપરાંત ચિકિત્સાશાસ્ત્રનો અભ્યાસ કરવાનું પણ જરૂરી હતું.
ઈભ્યપુત્ર “સાગરચંદ્ર પરમ ભાગવતની દીક્ષા લઈ સૂત્રથી તેમજ અર્થથી ભગવદ્ગીતાનો પરમાર્થ જાણનારો થયો' (૬૦)-એમાં મળતો ‘ભગવદ્ગીતા'નો પાંચમા સૈકા જેટલો જૂનો ઉલ્લેખ પણ અગત્યનો છે.
કથાના બે પ્રકારો વર્ણવવામાં આવ્યા છે: ચરિતા અને કલ્પિતા. તાપસોમાં દિશા પ્રોક્ષક નામના તાપસોનો ઉલ્લેખ છે (૨૧). “ત્રિદંડ અને કંડિકા ધારણ કરનારી અને જેણે સાંખ્ય અને યોગમાં પ્રવેશ કર્યો છે” એવી પરિવ્રાજિકાનો નિર્દેશ પણ છે (૩૦૨).
એક સ્થળે જીવંતસ્વામીની પ્રતિમાનો ઉલ્લેખ છે (૭૪). મહાવીરપૂર્વકાલીન ચાતુર્યામ ધર્મ એટલે કે ચાર મહાવ્રતોવાળા ધર્મનું સંક્ષિપ્ત વિવરણ એક સ્થળે છે (૩૪૮).
વસુદેવ-હિંડી'માંથી શસ્ત્રવિદ્યાને અને યુદ્ધવિદ્યાને લગતા પણ કેટલાર ઉલ્લેખો મળે છે : પ્રાચીન કાળમાં ચઢી આવતા સૈન્યને હણવા માટે નગરના દરવાજા ઉપર શિલા, શતક્ની, કાલચક્ર વગેરે યાંત્રિક શસ્ત્રો લટકાવવામાં આવતાં (૫).
વસુદેવહિંડીની ભાષા–શૈલીઃ ભાષા-શૈલીની દૃષ્ટિએ જોતાં “વસુદેવહિંડીએ જૈન સાહિત્યનો એક વિરલ ગ્રંથ છે. આટલા પ્રાચીન સમયમાં લખાયેલ લગભગ સાડા દસ હજાર શ્લોક પ્રમાણનો આના જેવો સળંગ કથાત્મક ગદ્યગ્રંથ સમસ્ત ભારતીય સાહિત્યમાં બીજો કોઈ શોધ્યો જડે તેમ નથી.
વિક્રમની આઠમી શતાબ્દીના અરસામાં રચાયેલી આગમગ્રંથો ઉપરની ચૂર્ણિમાં આપણને ગદ્યાત્મક પ્રાકૃત કથાઓ મળે છે. પરંતુ તેમાં અને વસુદેવહિંડીની કથાઓમાં ધ્યાન ખેંચે એવો તફાવત જોવા મળે છે. ચૂર્ણિમાંની મોટાભાગની કથાઓમાં સાહિત્યિક ગુણવત્તાનો અભાવ છે. તે નિરૂપણ સૌન્દર્યની દૃષ્ટિએ લખાયેલી નથી. તેના કથાભાગથી પરિચિત હોય તે જ સમજી શકે તેવી મિતાક્ષરી શૈલી તેમાં પ્રયોજાયેલી હોય છે. આથી ઉલટું કથાવર્ણનની દષ્ટિએ વસુદેવહિંડીનો વિસ્તાર અને યોજના એવાં તો વિપુલ છે કે પ્રાચીન જૈન સાહિત્યમાં તેનો જોટો જડે તેમ નથી. લેખનશૈલી સંક્ષિપ્ત કે શુષ્ક નથી. જીવતી ભાષાનું ચેતનવંતુ અને અત્યંત રસપ્રદ ચિત્ર ખડું કરે છે. સંવાદો વાતચીતની ભાષામાં લખાયેલા જણાય છે. આમ છતાં પ્રસંગોપાત અલંકારમય અને સમાસપ્રચુર વર્ણનોની ફુલગુંથણી ગ્રંથકર્તાએ કરી છે. વસુદેવહિંડી એ પ્રધાનપણે ગદ્યગ્રંથ છે. પણ તેમાં વચ્ચે વચ્ચે ઘણીવાર પદ્યો આવે છે. તેમાંયે પ્રિયંગસુંદરી લંભક અને કેતુમતી સંભકમાં આવાં પદ્યો એકીસાથે સંખ્યાબંધ નજરે પડે છે. આ પદ્યો પ્રાસંગિક સુભાષિતો નથી, પણ કંથાનું અંગ છે. વળી, ઉપર્યુક્ત બે લંભકોમાં અને અન્યત્ર પણ અનેક સ્થળે ગદ્યભાગમાં ય પદ્યો જોવા મળે છે. વસુદેવહિંડીની રચના થઈ તે પહેલાં લોકમાં કે જૈન આચાર્યોને મુખે પદ્યાત્મક વસુદેવહિડી કે વસુદેવચરિતના અમુક ભાગ પ્રચલિત હોય એવું અનુમાન થઈ શકે.
વસુદેવહિંડીની ભાષા સરળ, રૂઢ, ઘરગથુ અને પ્રાસાદિક છે. જન સમાજમાં જયારે પ્રાકૃત બોલાતી ભાષા હશે ત્યારે લખાયેલી છે. એની રચના થયાના પછીના સમયમાં માત્ર સાહિત્યિક ધોરણે જે પ્રાકૃત ગ્રન્થો લખાયા છે તેની તુલનાએ વસુદેવહિંડીની ભાષા સ્વભાવસિદ્ધ નૈસર્ગિક માલુમ પડે છે.