________________
Vol. XXXIII, 2010
વસુદેવહિંડી : બૃહત્કથાનું જૈન રૂપાંતર
147
રૂપાન્તરકારોએ દૂર કરી દીધી છે. આમ વસુદેવહિંડીનું કથાનક કેટલીક બાબતોમાં બૃહત્કથાશ્લોકસંગ્રહને મળતું આવે છે; તો તેમાં કેટલાક તફાવતો પણ જોવા મળે છે.
બૃહત્કથાશ્લોકસંગ્રહના કેટલાક આવશ્યક અંશો કાશ્મીરી રૂપાન્તરોમાં લુપ્ત થઈ ગયા છે તો વસુદેવહિંડીમાં તે જોવા મળે છે. આમ એક તરફ પ્રાચીન બૃહત્મકથાનો એક મોટો અંશ કાશ્મીરી રૂપાન્તરોમાં લુપ્ત થઈ ગયો છે. તો બીજી તરફ કાશ્મીરી રૂપાન્તરોનો એક મોટો અંશ મૂળ બૃહત્મકથામાંથી ઉદ્ભવ પામેલો નથી.
છેવટે એ પણ પુરવાર થાય છે કે કાશ્મીરી લેખકો સમક્ષ બૃહત્મકથાના માત્ર હાડપિંજરની તુલનાએ વિગતથી ભરપુર મૂળ બૃહત્કથાના બૃહત્કથાશ્લોકસંગ્રહનું સ્વરૂપ આ બન્ને રૂપાન્તરકારો સમક્ષ હતું. કાશ્મીરી રૂપાન્તરોની આ ખામીઓને કારણે તો બુદ્ધસ્વામીની ગુણાત્યના મૂળ ગ્રંથની વસ્તુiઘટનાનો અને તેના સત્ત્વનો વારસો કેટલે અંશે સાચવ્યો છે તે જાણી શકાય છે.
વસુદેવહિંડીના કર્તા અને બૃહત્કથાશ્લોકસંગ્રહના કર્તાએ પરસ્પર એકબીજામાંથી કંઈ લીધું નથી પણ બૃહત્કથામાંથી બન્નેએ વસ્તુ લીધું છે. બૃહત્કથાશ્લોકસંગ્રહ અને વસુદેવહિંડી વચ્ચેના સંખ્યાબંધ તફાવતો જોવા મળે છે. એટલે એ બન્ને વચ્ચેના પરસ્પર આધારનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ ગણનાપાત્ર અંશોમાં બૃહત્કથાશ્લોકસંગ્રહ અને વસુદેવહિંડી વચ્ચેના નાનામાં નાની વિગતોની બાબતમાં અને રજુઆતની સમગ્ર કલામાં એટલું પ્રતીતિજનક સામ્ય છે કે બન્નેના કર્તાઓની સમક્ષ ઓછામાં ઓછા અંતરે કવિ ગુણાઢ્ય ઉભેલો હતો એમાં શંકાને કોઈ સ્થાન રહેતું નથી. વળી, તેના અમુક કથાભાગોમાં તો “વસુદેવહિંડી’ એ પ્રાચીન બૃહત્કથાનો વિશિષ્ટપણે રસપ્રદ અને લાક્ષણિક નમૂનો છે અને સમગ્રતયા અવલોકન કરતાં તે મૂળ બૃહત્કથાની લાક્ષણિકતા અને ગુણાઢ્યની કાવ્યશક્તિનું વધારે ચોક્કસ અને પ્રતીતિજનક ચિત્ર રજુ કરે છે.
વસુદેવહિંડીની અવાંતર કથાઓ : કથાને રોચક બનાવવા માટે તેમાં મનોરંજન, કુતૂહલ અને જિજ્ઞાસાનો ભાવ આવશ્યક છે. તેમજ કથાને સરસ બનાવવા માટે પ્રેમ તત્ત્વ પણ જરૂરી છે. એ રીતે જૈન કથાઓમાં કેટલાય પ્રેમાખ્યાનો ઉલ્લિખિત છે. એથી ખ્યાલ આવે છે કે જૈન ગ્રંથકારોએ શૃંગારયુક્ત પ્રેમાખ્યાનોનો સમાવેશ કરીને પાદકો અને શ્રોતાઓ માટે કથાઓને રુચિકર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. વસુદેવહિંડીની અવાંતર કથાઓમાં આવા પ્રેમાખ્યાનોની ભરમાર જોવા મળે છે. એનો કેટલોક ભાગ જૈન પુરાણ (Mythology) થી રોકાયેલો છે. પણ બાકીના ભાગમાં શુદ્ધ લોકવાર્તા કહી શકાય એવી ઘણી બાબતો છે.
વસુદેવહિંડીના કથાપ્રસ્તાવમાં જંબુસ્વામી વિષયસુખનો ત્યાગ કરવા માટે શિલાજિતમાં ચોંટી ગયેલા વાનરનું દષ્ટાન્ત આપે છે. ત્યારબાદ તેમની અને તેમના શિષ્ય પ્રભવ વચ્ચે વિષયસુખ અંગે સંવાદ થાય છે. પ્રભવ વિષયસુખની પ્રશંસા કરે છે ત્યારે જંબુસ્વામી એ બાબતમાં મધુબિંદુ દષ્ટાન્ત સમજાવે છે.
આ દૃષ્ટાન્ત આગમો પરની ટીકાઓમાં અને સ્વતંત્ર ઉપદેશાત્મક કથાગ્રંથોમાં અનેક સ્થળે મળે છે.