________________
146
કાનજીભાઈ પટેલ
SAMBODHI
કાશ્મીરી લેખકોએ બીજા લંબકનું નામ કથામુખ લંબક આપ્યું છે. એમાં ઉદયનની કથા આવે છે. બુદ્ધસ્વામીના કથા મુખમાં જે ભાગ આવે છે તે આ કાશ્મીરી લેખકોએ ગ્રંથને અંતે મૂકેલો છે અને નરવાહનદત્ત આત્મવૃત્તાન્ત કહે છે એવું વિધાન કરેલું હોવા છતાં તે તેમ કરતો નથી પણ એ કથા તે ત્રીજા પુરુષમાં કહે છે. નેપાલી રૂપાન્તરની સચ્ચાઈનું અને કાશ્મીરી રૂપાન્તરોની ભ્રષ્ટતાનું લાકોએએ આપેલું આ મુખ્ય કારણ છે. આ અનુમાનને જૈન રૂપાન્તર પણ ટેકો આપે છે એમાં વસુદેવ પોતાનો આખોય વૃતાન્ત આત્મકથારૂપે પહેલા પુરુષમાં વર્ણવે છે. કથામુખ અથવા તેમાંથી તૈયાર થયેલું પ્રતિમુખ” ક્યારે અને કેવી રીતે તેમણે આત્મકથા કહી તે જણાવે છે.
કાશ્મીરી લેખકો સોમદેવે અને ક્ષેમેન્દ્ર કથાપીઠને પહેલો લંબક કહ્યો છે. ગુણાત્ય કવિ વિશેનું કથાનક એ તેનો વિષય છે. એ તો દેખીતું છે કે ગુણાઢ્ય કવિ વિશેનું કથાનક મૂળ બૃહત્કથામાં હોઈ જ ન શકે. બુદ્ધસ્વામીના રૂપાન્તરમાં પણ કથાપીઠ છે. પણ એનું શીર્ષક ક્યાંય જોવા મળતું નથી. આ ઉપરથી લાકોતે નિશ્ચિતપણે માને છે કે ગુણાઢ્યની બૃહત્કથામાં કથાપીઠ નહોતું. પણ વસુદેવહિંડીમાં પીઠિકા છે. એથી એમ માનવું પડે છે કે બૃહત્કથામાં કથાપીઠ હશે. પણ એ કથાપીઠનું વસ્તુ શું હશે? એ એક પ્રશ્ન છે. ગુણાત્ય વિશેનું કથાનક તો એમાં ન જ હોય. વસુદેવહિંડીની પીઠિકામાં શ્રીકૃષ્ણ વિશેની કથાનો જે ભાગ છે તેવો નરવાહનદત્ત વિશેનો ભાગ પણ તેમાં ન હોય.
કાશ્મીરી રૂપાન્તરમાં ઉદયન, વાસવદત્તા અને પદ્માવતીની સંપૂર્ણ કથાઓ છે. જ્યારે બુદ્ધસ્વામીના રૂપાન્તરમાં એ નથી. કેટલાક વિદ્વાનો માને છે કે બુદ્ધસ્વામીના ગ્રંથનો પ્રારંભનો ભાગ કદાચ ખંડિત હોય. બીજી બાજુ ઉદયનની કથા મૂળ પ્રાચીન બૃહત્કથાનો એક ભાગ હોવાની બાબતમાં કેટલાક વિદ્વાનોએ શંકા ઉઠાવેલી છે (Winternitz : History of Indian Literature Vol.III). પણ “વસુદેવહિંડી' ને આધારે એમ માની શકાય કે બૃહત્કથામાં ઉદયનને લગતી કથાઓ “કથામુખ પૂર્વેના “કથાપીઠમાં આવતી હતી.
મૂળ પ્રાચીન બૃહત્કથામાં વસ્તુની આયોજના આ પ્રમાણે હોવી જોઈએ (૧) કથાપીઠ : ઉદયન અને તેની રાણીઓની કથાઓ (૨) કથામુખ : કથા કહેનાર તરીકે નરવાસવદત્તનો પરિચય (૩) નરવાહનદત્તે વર્ણવેલ ભંભોની હારમાળા (૪) ઉપસંહાર.
બુદ્ધસ્વામીના નેપાલી રૂપાન્તર બૃહત્કથાશ્લોકસંગ્રહમાં બૃહત્કથાનું જે સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે તેના ઘણા કથા પ્રસંગોનું વસુદેવહિંડી સાથે સામ્ય હોઈ શકે. લાકાતેના માનવા પ્રમાણે કાશ્મીરી રૂપાન્તરોને મુકાબલે નેપાલી રૂપાન્તર મૂળ બૃહત્કથાનું સાચું ચિત્ર રજૂ કરે છે. ઉદાહરણ તરીકે– વસુદેવહિંડીની ગણિકાપુત્રી સુહિરણ્યાની જેમ બૃહત્કથાશ્લોકસંગ્રહની મદનમંજુકા પણ એક વારાંગના પુત્રી છે જ્યારે કાશ્મીરી રૂપાન્તરોમાં મદનમંજુકા એક બૌદ્ધ રાજાની દૌહિત્રી છે. વસુદેવની પત્ની ગન્ધર્વદત્તા એક વણિકની દત્તક પુત્રી છે. બુદ્ધસ્વામીએ પણ એ પ્રસંગ એ પ્રમાણે જ આપ્યો છે. જયારે કાશ્મીર રૂપાન્તરોમાં ગાન્ધાર દેશનો રાજા ઊભો કરવામાં આવ્યો છે. ગન્ધર્વદત્તાના પાલક પિતાની આત્મકથા એ દરિયાઈ સફરના પરાક્રમોની એક અતિ રસપ્રદ કથા છે. અને એના અમુક અંશો “એરેબીયન નાઈટ્સની ચોક્કસ વાર્તાઓના આધાર તરીકે પુરવાર થયા છે. આ આખીય કથા કાશ્મીરી