________________
Vol. XXXIII, 2010
વસુદેવહિંડી : બૃહત્કથાનું જૈન રૂપાંતર
145
દાખલ કરવામાં આવ્યા હતા. આ રીતે મૂળ ગ્રંથના વસ્તુ અને આયોજનમાં મોટા ફેરફારો થઈ ગયા હતા જેને પરિણામે ધ્યાન ખેંચતી અસંગતિઓ ઉપસ્થિત થઈ હતી અને છેવટે આગંતુક ઉમેરાઓને પરિણામે આ કાશ્મીરી કૃતિમાં મૂળ ગ્રંથ પુષ્કળ ભ્રષ્ટતા પામી ચૂક્યો હતો.
બુદ્ધસ્વામી વસ્તુની આયોજના તેમજ રજુઆત પરત્વે મૂળ પ્રાચીન બૃહત્કથાનું સાચુ ચિત્ર રજુ કરે છે. પરંતુ ખેદની વાત એ છે કે આ ચિત્ર સંપૂર્ણ નથી. કારણકે આ ગ્રંથનો એક ચતુર્થાંશ ભાગ જ ઉપલબ્ધ છે. આમ છતાં પેલાં બે કાશ્મીરી રૂપાંતરો સાથે તેની તુલના કરવાનું શકય છે. બુદ્ધસ્વામીનું રૂપાન્તર અને બીજી બાજુ સોમદેવ અને ક્ષેમેન્દ્રનાં કાશ્મીરી રૂપાન્તરો – એ બેમાં પણ કેટલાક મહત્ત્વનો તફાવત છે.
જૈન પરંપરા અનુસાર – વસુદેવહિંડીમાં શ્રીકૃષ્ણની પુરાણકથાની આયોજના એવી છે કેવસુદેવ પોતાના મોટાભાઈ સાથેના કલહને કારણે ઘેરથી નાસી છૂટે છે. અને પછી લાંબા પરિભ્રમણ દરમિયાન નરવાહનદત્તના જેવાં પરાક્રમો કરે છે. અને છેવટે પોતાની છેલ્લી પત્ની તરીકે રોહિણીને પ્રાપ્ત કરે છે. એ સમયે આકસ્મિક રીતે વસુદેવનું પોતાના મોટાભાઈ સાથે મિલન થાય છે અને પોતાના કુટુંબની છાયામાં પાછા વળે છે.
લાકાતેના મત મુજબ નષ્ટ થયેલ બૃહત્કથાની આયોજના આ પ્રમાણે હતી – પ્રાસ્તાવિક ભાગમાં ઉદયન અને તેની રાણીઓ વાસવદત્તા અને પદ્માવતીની જાણીતી કથાઓ હતી. વાસવદત્તાનો પુત્ર નરવાહનદત્ત યુવાન રાજકુમારની અવસ્થામાં હતો ત્યારે ગણિકાપુત્રી મદનમંજુકા સાથે પ્રેમમાં પડે છે અને પોતાના પિતાની ઇચ્છા વિરુદ્ધ તેને પરણે છે. એક વિદ્યાધર રાજા મદનમંજુકાનું અપહરણ કરી જાય છે. મદનમંજુકાની શોધ કરતાં નરવાહનદત્ત વિદ્યાધરલોક અને માનવલોકમાં નવાં નવાં પરાક્રમો કરતો જાય છે અને દીર્ઘ પ્રયત્ન પછી મદનમંજુકાને પાછી મેળવીને વિદ્યાધર ચક્રવર્તી તરીકે પ્રસ્થાપિત થાય છે અને મદનમંજુકા પટરાણી બનાવે છે. આ પૂર્વેના તેના કાર્યોમાં પરાક્રમોની હારમાળા આવે છે. જે પૈકી પ્રત્યેકમાં તેને એક એક પત્ની પ્રાપ્ત થાય છે. પ્રત્યેક પરાક્રમના આ પ્રમાણે આવતા અંતને ગુણા “લંભ' એનું નામ આપ્યું હતું અને એ રીતે નરવાહનદત્તની કથા વેગવતીલભ, અજિનાવતીલંભ, પ્રિયદર્શનાલંભ ઇત્યાદિ પ્રકરણોમાં વહેંચાયેલી હતી.
બુદ્ધસ્વામીનો બૃહત્કથાશ્લોકસંગ્રહ સર્વસામાન્ય કાવ્યોની જેમ નાના સર્ગોમાં વહેંચાયેલો છે. અને તેના ઉપલબ્ધ થયેલા અંશમાં ૨૮ સર્ગો આવે છે. કેટલાક સર્ગોને અંતે લંભ શબ્દને બદલે તેનો પર્યાય ‘લાભ મળે છે. લોકોને માને છે કે ગુણાઢયની કૃતિ રામાયણની જેમ જુદા જુદા કાંડોમાં વહેંચાયેલી હોવી જોઈએ.
વસુદેવહિંડીમાં કથા – ઉત્પત્તિ એ શુદ્ધ જૈન કથાભાગ છે. પણ પીઠિકા અને મુખની બાબતમાં એમ નથી. બુદ્ધસ્વામીની કૃતિમાં કથામુખ એ ત્રીજા સર્ગનું નામ છે. પણ ખરું જોતાં પહેલાં બે નામ વગરના સર્ગો પણ એ કથામુખનો જ પ્રારંભિક ભાગ છે. અર્થસંગતિની દષ્ટિએ કથા મુખમાં કથા કહેનારનો પરિચય આવે છે તેમાં છે. કથા કહેવાનો પ્રસંગ કેવી રીતે ઉપસ્થિત થયો છે તેમાં બતાવ્યું છે. નરવાહનદત્ત પોતાનો સંપૂર્ણ વૃત્તાન્ત પહેલા પુરુષમાં કહી સંભળાવે છે.