________________
190
કડિયા ડુંગરની ગુફાઓ
SAMBODHI-PURĀTATTVA
દીવાલો જ્યાં પુરી થાય છે ત્યાં આગળના ભાગમાં બહાર પડતા કપોત આકારની વરંડિકા છે. તત્કાલીન યુગની એ વિશિષ્ટ શૈલી રજૂ કરે છે. ગોંડલ પાસે ખંભાલીડાની ગુફામાં પણ આવી રચના છે. આ કપોત શૈલી ક્ષત્રપયુગમાં સૌરાષ્ટ્રમાં પ્રચલિત હતી અને આગળ જતાં મૈત્રકકાલીન મંદિરોમાં એ વધારે વિકસિત સ્વરૂપમાં દેખાય છે. અન્ય ગુફાઓ :
ત્રીજી ગુફાને પાછલા સમયમાં વસવાટ માટે ઉપયોગમાં લઈ તેને અદ્યતન સ્વરૂપની બનાવી દેવામાં આવેલ છે. ચોથી ગુફાની બહારનો વરંડો ૩૧’ લાંબો છે. કદાચ તે પ્રાર્થનાખંડ હશે, તેમ માનવામાં આવે છે. પાંચમી ગુફા અન્ય ગુફાઓ કરતાં બહુ નીચી સપાટીએ છે. અંદર ખંડ અને વરંડાની રચના છે. છઠ્ઠી ગુફામાં વરંડામાંથી ખંડમાં જવા માટેનું પ્રવેશદ્વાર આંશિક ક્ષતિગ્રસ્ત છે. કાળબળને કારણે સાતમી ગુફાને મહદ્અંશે નુકસાન થયેલ છે.
આ ગુફાઓની આસપાસ પાણી માટે ટાંકાઓ પણ છે. અહીં એક શિવલિંગ જોતાં પાછલા સમયમાં આ ગુફાઓ બ્રાહ્મણ સાધુઓએ પણ ઉપયોગમાં લીધી હશે તેમ જણાય છે. ગુફાની સાદાઈ, લેખ, સ્તંભોનો આકાર અને વૈદિકભાતનું કાષ્ઠકલાનું અનુકરણ તેમ જ ભોયતળમાં લાકડાના સ્તંભ ખોસવા માટે કરેલાં કાણાંઓ તથા વરંડિકાનાં સ્પષ્ટ કપાત વગેરે પરથી આ ગુફાઓ પહેલી-બીજી સદીની હોવાનું જણાય છે. સિંહ સ્તંભ :
આ ડુંગરની તળેટીમાં ૧૧ ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે. નીચેથી ઉપર પાતળા થતા જતા એક જ પથ્થરમાં કંડારેલા આ સ્તંભને શિરોભાગે એક સિંહાકૃતિ છે. તેમાં શરીર બે પણ મુખ એક જ એવી રચના છે. અન્ય અવશેષોઃ
ડુંગરની તળેટીના ભાગમાં કેટલાક ઇંટેરી બાંધકામના અવશેષો તેમ જ ઈ.સ.ની પહેલીથી ચોથી સદીનાં ચમકદાર પોલીશયુક્ત લાલ રંગ(RPW)નાં માટીનાં વાસણોના અવશેષો મળેલ છે.
સિંહ સ્તંભની આસપાસ જંગલમાં ૮ થી ૯ ઇંટેરી સ્થાપત્યનાં નિશાનો પણ છે. જે સ્તૂપો કે વિહારો હોવાનું મનાય છે. ઉત્તર ગુજરાતના દેવની મોરીના સ્તૂપ જેવા અવશેષોમાંથી મળી આવેલી ઇંટોનાં માપ અહીં પણ જોવા મળે છે.
સદરહુ સ્મારક ગુજરાતનાં પ્રાચીન સ્મારકો અને પુરાતત્ત્વીય સ્થળો તથા અવશેષોના સને ૧૯૬૫ના ૨૫મા અધિનિયમ હેઠળ સને ૧૯૭૨માં રક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલ છે.
રક્ષિત સ્મારકથી ૧૦૦ મી. વિસ્તાર પ્રતિબંધિત અને ત્યાર બાદનો ૨૦૦ મી. વિસ્તાર નિયંત્રિત જાહેર થયેલ છે. નિયંત્રિત વિસ્તારમાં બાંધકામ માટે પુરાતત્ત્વ ખાતાનું ના-વાંધા પ્રમાણપત્ર અનિવાર્ય છે.
ગુજરાત રાજય પુરાતત્ત્વ વિભાગ, ગાંધીનગરના સૌજન્યથી