________________
188
બુટાપાલડી
SAMBODHI-PURĀTATTVA
મંદિરનું શિખર નાની મોટી શિખરીઓથી વિભૂષિત છે. શિખર ઉપર જાલકભાત સોલંકી સમયની નાગર કલાશૈલીનો પરિચય કરાવે છે. મંદિરના ગર્ભગૃહની અંદર પીઠિકા ઉપર દેવી શિલ્પ છે. ગર્ભગૃહના પ્રવેશની બંને બાજુએ આવેલ દ્વારશાખની મધ્યની રૂપશાખમાં અર્ધપર્યકાસન મુદ્રામાં અંકિત શિલ્પો લક્ષ્મીજીનાં છે. લલાટ બિંબમાં મધ્યે ગણેશજી છે, ઉદુમ્બરમાં ઉત્તર બાજુ કુબેર તથા દક્ષિણ તરફ ગણેશ કંડારેલ છે. મંદિરના જંઘા, કુંભા, શિખર, દ્વારશાખ વગેરે ભાગોમાં દેવી શિલ્પોની પ્રાધાન્યતા હોઈ આ મંદિર શક્તિ મંદિર હોવાનું જણાય છે.
મંદિરના પ્રવેશમંડપની બંને બાજુએ આવેલ કક્ષાસનના સ્તરોમાં પણ વિવિધ સ્વરૂપ ધરાવતાં દેવી શિલ્પો, ફુલવેલ, ભૌમિતિક ભાત વગેરે કંડારેલ છે. એ જ રીતે મંડપની વિતાન નીચે પટ્ટા કિચકનાં શિલ્પો ધરાવતી શાલભંજિકાનાં શિલ્પોથી અલંકૃત છે.
મંદિર પ્રમાણમાં નાનું છે. છતાં શિલ્પકલાની દૃષ્ટિએ અતિ સમૃદ્ધ છે. મહેસાણા જિલ્લાના ૧૨મા શતકમાં નિર્માણ પામેલ આસોડાના જશમલનાથ મહાદેવનાં ગૌણ મંદિરો તથા ખંડોસણ સાથે નિકટનું સામ્ય ધરાવે છે.
સદરહુ સ્મારક ગુજરાતનાં પ્રાચીન સ્મારકો અને પુરાતત્ત્વીય સ્થળો તથા અવશેષોના સને ૧૯૬૫ના ૨૫મા અધિનિયમ હેઠળ સને ૧૯૭૨માં રક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલ છે.
રક્ષિત સ્મારકથી ૧૦૦ મી. વિસ્તાર પ્રતિબંધિત અને ત્યાર બાદનો ૨૦૦ મી. વિસ્તાર નિયંત્રિત જાહેર થયેલ છે. નિયંત્રિત વિસ્તારમાં બાંધકામ માટે પુરાતત્ત્વ ખાતાનું ના-વાંધા પ્રમાણપત્ર અનિવાર્ય છે.
ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ વિભાગ, ગાંધીનગરના સૌજન્યથી