________________
શીતળા માતા મંદિર
બુટાપાલડી
સ્થળ નિર્દેશ :
મહેસાણા જિલ્લા-તાલુકામાં આવેલ બુટાપાલડી મહેસાણા-ઊંઝા માર્ગ પર મહેસાણાથી ૮ કિ.મી.ના અંતરે આવેલ છે. મુખ્ય માર્ગથી ૩ કિ.મી.ના અંતરે આ ગામ આવેલું છે. મહેસાણા તથા ઊંઝાથી રાજ્ય પરિવહન બસ સેવા દ્વારા પાકા માર્ગથી સંકળાયેલ આ ગામ સુધી જઈ શકાય છે. શીતળા માતાનું મંદિર - એક પરિચય :
બુટાપાલડી ગામથી પશ્ચિમે મંદિર આવેલ છે. જે રેતીયા પથ્થરમાંથી નિર્માણ પામેલ છે. ગર્ભગૃહ, અંતરાલ અને લઘુમંડપ જેવા વિવિધ અંગો ધરાવતા આ મંદિરનું ગર્ભગૃહ ચોરસ છે, જ્યારે મંડપ લંબચોરસ છે.
ગર્ભગૃહની પીઠમાં વિવિધ થરોનાં દર્શન થાય છે. પીઠમાં કંડારેલ ગજથર, નરથર એ આકર્ષણ ધરાવતાં મહત્ત્વના થરો છે. આ થરોની રચનાને કારણે સ્થાપત્યની દષ્ટિએ પીઠને મહાપીઠ તરીકે ઓળખાવી શકાય. નરથરમાં માનવ જીવનના વિવિધ પ્રસંગોનાં આલેખન છે. જેમાં હાથી, સિંહ, ભુંડ, ગાય વગેરે પ્રાણીઓનું પણ સુંદર આલેખન જોવા મળે છે. પીઠની ઉપર આવેલ કુંભાના થરની મધ્યમાં ચતુર્ભુજ દેવીની પ્રતિમા છે. દેવીના ઉપલા બંને હાથમાં પદ્મ છે. નીચેનો જમણો હાથ વરદ મુદ્રામાં છે અને ડાબા હસ્તમાં કમંડળ ધારણ કરેલ છે. દેવીના શિલ્પની બંને બાજુ ગોળ નાની તંભિકા છે. ખંભિકાની ઉપરનો ભાગ કમાનાકારથી વિભુષિત છે. કુંભના થરની ઉપર ક્રમશ: કળશ,અને રૂપપટ્ટીકાનો થર છે. રૂપપટ્ટીકા ચૈત્યભાતથી સુશોભિત છે.
મંદિરનો મધ્યભાગ એટલે કે જંઘાનો ભાગ પ્રચુર શિલ્પકલાથી વિભૂષિત છે. જેમાં વિવિધ દેવ, દેવીઓ, દિક્યાલ, વિવિધ અંગભંગીમાં અપ્સરા, નૃત્યાંગનાઓ વગેરેનાં શિલ્પોનું આલેખન છે. જેમાં દર્પણકન્યા, સદ્યસ્નાતા વગેરેનાં શિલ્પો અતિ મોહક જણાય છે. જંઘામાં દક્ષિણ બાજુની દીવાલના મધ્યમાં આવેલ ગોખમાં દેવી દુર્ગાની પ્રતિમા છે. જયારે પશ્ચિમ તથા ઉત્તર બાજુની દીવાલના મધ્ય ભાગના ગોખમાં મહિષાસુરમર્દિનીની પ્રતિમા છે. આ સમગ્ર પટ્ટમાં કંડારેલ શિલ્પોનું દેહલાલિત્ય કંઈક અંશે પાટણની રાણીની વાવનાં શિલ્પોની યાદ અપાવે છે. જો કે સમયાંકનની દષ્ટિએ આ મંદિર એક સૈકો પાછળ છે, છતાં તેની કલાશૈલી એટલી જ આકર્ષક છે.