________________
Vol-1, XXIX
કલ્પસૂત્રનાં ચિત્રો
165
(૭) ત્રિશલા ગર્ભ સંક્રમણ :
હરિણગમેલી દેવ ભગવાન મહાવીરનો ગર્ભ ત્રિશલા દેવીમાં સંક્રમિત કરે છે એ કથાનું આ ચિત્રમાં આલેખન છે. (૮) ત્રિશલા સ્વપ્નદર્શન :
- ચિત્રપ્રસંગ-૭ માં ગર્ભ-સંક્રમણનું આલેખન થયું. આ રાત્રિએ ત્રિશલાને ચૌદ સ્વપ્નોનું દર્શન થયું. દેવી આસનસ્થ હોઈ જમણો હસ્ત તકિયા ઉપર આકર્ષકપણે ટેકવેલો જયારે ડાબો કર ઊર્ધ્વગામી બતાવેલો છે. દેવીએ યથોચિત આભૂષણો ધારણ કરેલાં છે. અન્ય રેખાઓનું આલેખન પશ્ચિમ ભારતીય પરંપરાની શૈલીમાં છે. દેવીની સન્મુખ કોઈ દેવ-આકૃતિ ઊભા સ્વરૂપે છે. જેમના જમણા બાહુમાં ખંજર ધારણ કરેલું છે જ્યારે ડાબો હસ્ત નીચેની તરફ બતાવે છે. આ દેવ આકૃતિની ઓળખ થઈ શકેલ નથી. (ચિત્ર-૮) ચૌદ સ્વપ્ન :
ઉપરથી - હાથી, વૃષભ, સિંહ (સૂંઢવાળો), લક્ષ્મી, માલાયુગલ, ધ્વજ, કળશ, સરોવર, સમુદ્ર, દેવવિમાન, રત્નનો રાશિ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય.
સ્વપ્ન જોઈને જાગીને ત્રિશલામાતા પોતાના પતિ સિદ્ધાર્થ રાજાને સ્વપ્નની વાત કરે છે. રાજા કહે છે સ્વપ્નનું ફળ શુભ છે. સ્વપ્નનું ફળ નષ્ટ ન થાય તે માટે ત્રિશલા માતા પછીની રાત્રિ જાગરણ કરીને વ્યતીત કરે છે. (૯) ભગવાનનો જન્મ -
ભગવાન મહાવીરનો જન્મ ચૈત્રસુદ-૧૩ના દિવસે થયો હતો. તે જ સમયે ભગવાનનું કૃત્રિમ રૂપ માતા ત્રિશલા પાસે રાખી, પાંચરૂપે ઇન્દ્ર, ભગવાનને મેરુપર્વત ઉપર લઈ જાય છે. ઇંદ્ર એકરૂપે ભગવાનને પોતાના ખોળામાં લઈને બેઠા છે. જ્યારે બે ઊભા સ્વરૂપે કળશથી પ્રક્ષાલ કરે છે અને અન્ય બે સ્વરૂપે અભિષેક કરે છે. (૧૦) ઉપસર્ગ -
ચિત્રમાં ભગવાન મહાવીર સ્વામીએ બાર વર્ષ સુધી અઘોર તપશ્ચર્યા કરી ઘાતિકર્મનો નાશ કર્યો એ કથા-પ્રસંગનું આલેખન છે. જે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો કહેવાય છે જેમ કે – દેવના કર્ણમાં ખીલા મારવામાં આવ્યા, બે પાદ વચ્ચે અગ્નિ પ્રજવલિત કરી ખીર રાંધવામાં આવી ઉપરાંત સિંહ અને વીંછી ઇત્યાદિના અનેક ઉપસર્ગો થયા. આ તમામ ઉપસર્ગો ભગવાને સમભાવે સહન કર્યા હતા. કથા પ્રસંગનું સુરેખ આલેખન ચિત્રમાં જોવા મળે છે. ધ્યાનાકર્ષક બાબત તીર્થકરનું સન્મુખ-દર્શન પશ્ચિમ ભારતીય કળા શૈલીની લાક્ષણિકતાઓ સાથે રજૂ થયું છે. (ચિત્ર-૧૦)