________________
Vol-1, XXIX
જૂનાગઢના ત્રણ શૈલલેખ
145
આજ્ઞા કરી છે કે મારા સમસ્ત રાજયમાં ઉચ્ચ અધિકારીઓ ધર્માનુશાસન માટે દર પાંચ વર્ષે પ્રદેશમાં ફરતા રહે. (૪) પ્રિયદર્શી રાજાના ધર્માચરણથી હવે ભેરીઘોષ ધર્મઘોષ થયો છે; પ્રાણીઓની અહિંસા બ્રાહ્મણો તથા શ્રમણો તરફ સદ્વર્તાવ, માતા-પિતાની સેવા ઇત્યાદિ ધર્માચરણ વધ્યું છે ને વધશે. (૫) મેં બહુ કલ્યાણ કર્યું છે. અભિષેકના તેર વર્ષ થયાં મેં ધર્મ-મહાપાત્ર નીમ્યા છે. (૬) મેં સર્વ સમયે સર્વત્ર વિજ્ઞાત્યક રાખ્યા છે, જે મને પ્રજાનું હિત વિજ્ઞાપિત કરે. હું સર્વત્ર પ્રજાનું કામ કરું છું. (૭) પ્રિયદર્શી રાજા ઇચ્છે છે કે સર્વ સંપ્રદાય સર્વત્ર વસે. (૮) લાંબા સમયથી રાજાઓ વિહારયાત્રા કરતા. દેવોના પ્રિયદર્શી રાજા ધર્મયાત્રા કરે છે. (૯) લોકો વિવિધ મંગલ કરે છે. ધર્મ-મંગલ મહાફળદાયી છે. (૧૦) લોકો ધર્મોપદેશ સાંભળે ને તેને અનુસરે એ બાબતમાં જ રાજા યશ કે કીર્તિ ઇચ્છે છે. (૧૧) ધર્મદાન જેવું દાન નથી. તેમાં દાસો અને સેવકો તરફ સારો વર્તાવ, માતા-પિતાની સેવા, શ્રમણબ્રાહ્મણોને દાન, પ્રાણીઓની અહિંસા ઇત્યાદિ હોય છે. (૧૨) દેવોનો પ્રિય પ્રિયદર્શી રાજા સર્વ સંપ્રદાયોને દાન અને પૂજાથી સંતોષે છે, જેથી સર્વ સંપ્રદાયોની સાર વૃદ્ધિ થાય તે માટે ધર્મ મહાપાત્રો વગેરે નીમવામાં આવ્યા છે. (૧૩) અભિષેકને આઠ વર્ષ થયાં દેવોના પ્રિય પ્રિયદર્શી રાજાએ કલિંગ દેશ જીત્યો, તેમાં એક લાખ માણસ માર્યા ગયા તે માટે હવે દેવોના પ્રિયને ભારે વેદના થાય છે. ધર્મ વિજયને દેવોના પ્રિયે મુખ્ય વિજય માન્યો છે. જ્યાં દેવોનાપ્રિયના દૂતો નથી જતા ત્યાં પણ તેનો ધર્મોપદેશ સાંભળી લોકો ધર્મ આચરે છે. આ ધર્મ-લિપિ એટલા માટે લખાવી છે, કે જેથી પુત્રો, પૌત્રો વગેરે ધર્મવિજયને જ વિજય માને. (૧૪) આ ધર્મલિપિમાં બધું બધે પ્રયોજાયું નથી. કેમ કે રાજય ઘણું મોટું છે.
૧૮૩૮માં અશોકના આ શૈલલેખ જેમ્સ પ્રિન્સેપે ઉકેલી પ્રકાશિત કર્યા.૧૮૬૨ માં જૂનાગઢના પં.ભગવાનલાલે આ શૈલ પરના ત્રણેય અભિલેખોનો શુદ્ધ પાઠ તૈયાર કરેલો છે. આ શૈલ જમીનથી ૩-૫૦ મીટર ઊંચો છે ને એનો નીચલો ઘેરાવો ૨૩ મીટર જેટલો છે. અશોકનો અભિલેખ લગભગ ઈ.સ. ૨૬૮નો છે.
જૂનાગઢના આ શૈલના પશ્ચિમ ભાગ પર સંસ્કૃત ભાષામાં એક અભિલેખ કોતરેલો છે. એની લિપિ બ્રાહ્મી જ છે, પરંતુ એમાં મૌર્યકાલ કરતાં હવે ઘણું પરિવર્તન થયું છે. અક્ષરો પર શિરોરેખા ઉમેરાઈ છે ને અક્ષરો લાંબા તથા મરોડદાર બન્યા છે. આ અભિલેખ ઉચ્ચ ગદ્યશૈલીમાં લખાયો છે.
આ લેખ પરથી જાણવા મળે છે કે સુરાષ્ટ્રના પાટનગર ગિરિનગરની સમીપમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાજયપાલ વૈશ્ય પુષ્પગુપ્ત ગિરિ ઊર્જયત (ગિરનાર)માંથી નીકળતી સુવર્ણસિકતા (સોનરેખ) વગેરે નદીઓમાં સેતુ (બંધ) બાંધી સુદર્શન નામે સુંદર જળાશય કરાવ્યું હતું. ને મૌર્ય રાજા અશોકના રાજયપાલ યવનરાજ તુષારૂં એમાંથી નહેરો કરાવી હતી. રુદ્રદામાનો આ અભિલેખ ઈ.સ. ૧૫૦નો છે, છતાં એ ઈ.પૂ. ૩૨૨-૨૩૨નો પૂર્વવૃતાંત આપે છે એ ભારતના ઇતિહાસમાં ખાસ નોંધપાત્ર ગણાય.