________________
118
જિતેન્દ્ર બી. શાહ, રવિ હજરનીસ
SAMBODHI-PURĀTATTVA
માનવ સદ્રશ્ય કપિમાં ધીમે ધીમે ફેરફાર થયા. આ બદલાવ પ્રગતિ સૂચક હતા. આ કારણે સાડા ચારથી પાંચ લાખ વર્ષ પહેલાં નવા માનવનું નિર્માણ થયું. આ નવીન માનવ પ્રથમવાર સીધો ઊભો રહેનાર હતો. જે ટટ્ટાર ઊભો રહી શકતો હોવાથી “હોમો ઇરેકટ' કહેવાયો. સીધા ઊભા રહેનાર માનવના અશ્મીભૂત અસ્થિ અવશેષો પ્રથમવાર પેકીંગ-ચીનમાંથી મળી આવ્યાં હોવાથી તે, પેકીંગ માનવ તરીકે પણ ઓળખાયો. માનવ ઉત્કાન્તિનો આ પહેલો તબક્કો હતો.
ઉત્ક્રાન્તિના બીજા તબક્કામાં હવે જે માનવી અસ્તિત્વમાં આવ્યો એ વિચારી શકતો હોવાથી એને વિચારી માનવ (હોમો સેપિયન) કહેવામાં આવે છે, વિચારી માનવનાં અસ્થિ અવશેષો પ્રથમવાર જર્મનીના નિઅડરથલ સ્થળેથી પ્રાપ્ત થયેલા હોવાથી એ નિઅડથલ માનવ કહેવાયો. આફ્રિકાના રોડેશિયામાંથી પણ હોમો સેપિયન માનવના અવશેષો મળી આવ્યા છે. પોતાની બુદ્ધિમત્તાને કારણે વિચારી શકનાર માનવને અગ્નિના ઉપયોગની જણ હતી. આગ એ માત્ર વિનાશ વેરે છે, નષ્ટ કરે છે. પરન્તુ અગ્નિ એ માત્ર વિનાશક પરિબળ જ નથી, પણ જીવનનું એ અત્યંત આવશ્યક ઘટક હોવાનું એ જાણી શક્યો હતો. એનું જીવન રઝળપાટવાળું ભટકતું હતું. એ જંગલી શિકારી હોવાથી પ્રાણીમાંસ પર નિર્ભર રહેતો. અગ્નિની શોધને કારણે અગાઉના કાચા માંસ કરતાં શેકેલું માસ એને માટે વધુ સુરેખ, સ્વાદિષ્ટ અને પાચનમાં વધુ યોગ્ય લાગતું હતું. આ સિવાય એ પોતાના રહેણાંક, ગુફા કે શૈલાશ્રય આગળ હવે અગ્નિને પ્રજવલિત રાખતો. અને આ રીતે એ હિંસક પશુ અને ઝેરી જીવ-જંતુથી રક્ષણ મેળવવાનું શીખી ગયો હતો. વધુમાં હવે એ પશુ-શિકાર કે આખેટ અર્થે હથિયારો ઘડીને વાપરવા લાગ્યો હતો. આ બધું એની યાંત્રિક પ્રગતિનું સોપાન કહી શકાય.
જ્યારે ઉત્ક્રાંતિનો પ્રગટ ત્રીજો અંતિમ તબક્કો એટલે જ અધિક વિચારી શકનાર માનવનું આગમન. પોતાની બુદ્ધિમત્તા અને વિકસિત મગજને કારણે એ અધિક વિચારી શકનાર માનવ હોમો સેપિયન સેપિયન કહેવાયો. આ માનવના અવશેષ પ્રથમ ફ્રાન્સના ક્રોમેગ્નોન મુકામેથી મળ્યા હોવાથી તેને ક્રોમેગ્નોન (Cro-Magnon) માનવ પણ કહેવામાં આવે છે. આ અધિક વિચારવંત કે ક્રોમેગ્નોન માનવ 190 સે.મી.ની ઊંચાઈ ધરાવતો હતો. એનો ચહેરો વિસ્તૃત હતો અને નાસિકા આગળ પડતી હતી. એ અન્ય પ્રાણીઓ કરતાં વધુ વિકસિત મગજવાળો, વધુ બુદ્ધિમત્તા ધરાવતો હતો.
સંક્ષેપમાં કહીએ તો અનેકાનેક સંઘર્ષો, રઝળપાટ અને પ્રતિકૂળ વિટંબણાઓ વચ્ચે પણ માનવે માત્ર પોતાનું અસ્તિત્વ જ ન ટકાવી રાખ્યું પરંતુ ક્રમે ક્રમે ઉત્તરોત્તર પ્રગતિ સાધતો ઉત્ક્રાંતિની સીમાઓ સુધી પહોંચી ગયો. માનવદેહ-નિર્માણની આ વિકાસગાથા લાખો વર્ષોની છે. એની દેહ ઉત્ક્રાંતિની ગાથા જેટલી જ રમ્ય અને અગત્યની એની સાંસ્કૃતિક વિકાસ-ગાથા છે. માનવનો સાંસ્કૃતિક વિકાસ સમજવા એનાં ઓજાર, હથિયાર, માટીકામ, રહેણાંક, ઉત્કીર્ણ આકૃતિઓ, શૈલચિત્રો, રહેણી, પ્રારંભિક પશુપાલન, પ્રાણીઓ, ધાન્ય, આબોહવા અને કૃષિ વગેરે અનેક વાતો લક્ષમાં લેવી ઘટે. માનવનો આ બધા સાથેનો સંબંધ અને સમયાંકન વગેરે બાબતો પણ આ અભ્યાસના ક્ષેત્રમાં આવે. તત્કાલીન પાષાણનાં ઓજારો પણ વિશિષ્ટ પ્રકારનાં અશ્મ છે. મતલબ કે ગમે તે જાતના પ્રસ્તરનો ઉપયોગ થયેલો નથી. આથી એ સ્પષ્ટ થાય છે કે એને ઘડતર પ્રક્રિયા ઉપરાન્ત પથ્થર પસંદગીનું સારું જ્ઞાન હતું. અને