________________
126
૨. ના. મહેતા, મુ. કે. જોષી, ૨. સ. ભાવસાર
SAMBODHI
સમકાલીન તથા કંઈક અનુકાલીન વસવાટનું સૂચન કરે છે અને સમગ્ર પરિસ્થિતિના અર્થઘટનના કેટલાક અંશો સ્પષ્ટ કરે છે. અર્થઘટન
બોધિસત્ત્વની પ્રતિમાનાં પ્રાપ્તિસ્થાનની વધુ તપાસ કરીને આ સ્થળનો સંઘારામ કેવો હતો તે બાબત નિર્ણય કરવો જરૂરી છે. તે કાર્ય ન થાય ત્યાં સુધી સંઘારામ બાબત કેટલીક ચર્ચા માત્ર થઈ શકે.
ઉપર જણાવ્યા પ્રમાણે યુવાનસ્વાંગે આનંદપુર-વડનગરમાં દશ સમ્મતિય સંઘારામો હોવાનું તથા ત્યાં આશરે હજાર સાધુઓ હોવાનું જણાવ્યું છે. તે માહિતીને મૂર્તિલેખની સાથે સરખાવતા ચીની યાત્રીએ વર્ણવેલા સંઘારામો પૈકી આ એક સંઘારામ હોવાનું સ્પષ્ટ થાય છે.
આ સંઘારામમાં મૂર્તિલેખના અભિપ્રાય પ્રમાણે ચૈત્ય હતો. આ ચૈત્યમાં પૂજા માટે આ બોધિસત્ત્વની પ્રતિમા આચાર્ય મહોશયક લઈ આવ્યા હતા. આ હકીકતની સાથે માટીનાં વાસણો શંખના ભાગો ઇત્યાદિ જોતાં ત્યાં બૌદ્ધ વિહાર હોવાની સૂચના મળે છે. તેથી જેમ દેવની મોરીના મહાવિહારમાં ચૈત્ય અને વિહાર હતા તેમ અહીં પણ પરિસ્થિતિ હતી એવું અનુમાન થઈ શકે. પરંતુ આ વિસ્તારમાં સ્તૂપને મળતા અવશેષો દેખાતા નથી તેથી અહીં સ્તૂપનું અસ્તિત્વ સાબિત કરવા માટે વધુ અન્વેષણ આવશ્યક છે.
બૌદ્ધ સંઘના મુખ્ય ભાગોનો ભેદ દર્શાવતાં ઇત્સિંગે જણાવ્યું છે કે હીનયાનમાં બોધિસત્ત્વની ઉપાસના થાતી ન હતી. આ માન્યતા આ પ્રતિમાના લેખથી આંશિક નિરાધાર બને છે. આ પ્રતિમા લેખ પરથી સમ્મતિય શાખાના હીનયાન સંપ્રદાયના સંઘારામમાં બોધિસત્ત્વની પ્રતિમા રાખવામાં આવતી હતી તેથી તેની ઉપાસના બાબત ઝાઝી શંકા રહેતી નથી.
વળી આ પ્રતિમા લાવનાર આચાર્ય મહોશયકનું નામ પણ આ યુગમાં ઘણા લોકોનું લાગે છે. એમ જૈન આગમ ઉપાસક દશામાં આવતાં મહોશયક અને ચુલ્લશયક જેવાં નામો દર્શાવે છે.
બોધિસત્ત્વની પ્રતિમાની શૈલીની ચર્ચા ઉપર કરી છે. તે જેમ મથુરા તરફની છે. તેમ આ પ્રતિમા જે પથ્થર પર કોતરી છે તે પથ્થર પણ ગુજરાતની હિંમતનગર, ધાંગધ્રા આદિ ખાણનો નથી, પણ તે ફત્તેપુર સીક્રી, ધોલપુર જેવી ખાણનો પથ્થર છે. તેવી પથ્થર તથા મૂર્તિની શૈલી એ બન્ને મથુરા પ્રદેશનું સૂચન કરે છે.
આ પરિસ્થિતિમાં આ મૂર્તિ મથુરા તરફથી આચાર્ય મહોશયક લાવ્યા હોવાનું અનુમાન થાય છે. મૂર્તિઓ, લિંગ આદિ જૈનો, શૈવો પણ એક સ્થળેથી બીજે સ્થળે લાવતા હોવાની પ્રવૃત્તિ ઘણા સંપ્રદાયના લોકો કરતા હતા. એ જોતાં મથુરાથી આ મૂર્તિ લાવવાનું અનુમાન સબળ બને છે. આ અનુમાનને મૂર્તિનું કદ તથા વજન ટેકો આપે એવું છે. બે માણસો એ મૂર્તિ સરળતાથી ઊંચકીને લઈ જઈ શકે એવી છે.