________________ ‘પરમાર્થસત્ય’ એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજુ કાંઈ મારું નથી, એ ઉપયોગ રહેવો જોઈએ. અન્ય આત્માના સંબંધી બોલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદવાળો તે આત્મા ન છતાં માત્ર વ્યવહારનયથી કાર્યને માટે બોલાવવામાં આવે છે; એવા ઉપયોગપૂર્વક બોલાય તો તે પારમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે. 1. દ્રષ્ટાંતઃ- એક માણસ પોતાના આરોપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતો હોય તે વખત સ્પષ્ટપણે તે તે પદાર્થથી વક્તા હું ભિન્ન છું, અને તે મારાં નથી, એમ સ્પષ્ટપણે બોલનારને ભાન હોય તો તે સત્ય કહેવાય. 2. દ્રષ્ટાંત :- જેમ કોઈ ગ્રંથકાર શ્રેણિકરાજા અને ચલણારાણીનું વર્ણન કરતા હોય, તો તેઓ બન્ને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમનો સંબંધ, અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વગેરેનો સંબંધ હતો; તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થસત્ય. વ્યવહારસત્ય આવ્યા વિના પરમાર્થસત્ય વચન બોલવાનું બને તેમ ન હોવાથી વ્યવહારસત્ય નીચે પ્રમાણે જાણવાનું છે. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહારસત્ય. દ્રષ્ટાંત :- જેમ કે અમુક માણસનો લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગ્યે દીઠો હોય, અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહારસત્ય. આમાં પણ કોઈ પ્રાણીના પ્રાણનો નાશ થતો હોય, અગર ઉન્મત્તતાથી વચન બોલાયું હોય, યદ્યપિ ખરું હોય તોપણ અસત્યતુલ્ય જ છે એમ જાણી પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગંછા, અજ્ઞાનાદિથી બોલાય છે; ક્રોધાદિ મોહનીયનાં અંગભૂત છે. તેની સ્થિતિ બીજાં બધાં કર્મથી વધારે એટલે (77) સિત્તેર કોડાકોડી સાગરોપમની છે. આ કર્મ ક્ષય થયા વિના જ્ઞાનાવરણાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતાં નથી; જોકે ગણિતમાં પ્રથમ જ્ઞાનાવરણાદિ કર્મો કહ્યાં છે, પણ આ કર્મની ઘણી મહત્ત્વતા છે, કેમકે સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળસ્થાન હોવાથી ભવભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે; આવું મોહનીયકર્મનું બળવાનપણું છે, છતાં પણ તેનો ક્ષય કરવો સહેલ છે, એટલે કે જેમ વેદનીયકર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી તેમ આ કર્મને માટે નથી. મોહનીયકર્મની પ્રકૃતિરૂપ ક્રોધ, માન, માયા, અને લોભાદિ કષાય તથા નોકષાયના અનુક્રમે ક્ષમા, નમ્રતા, નિરભિમાનપણું, સરળપણું, નિર્દભતા અને સંતોષાદિની વિપક્ષ ભાવનાથી એટલે માત્ર વિચાર કરવાથી ઉપર દર્શાવેલા કષાયો નિષ્ફળ કરી શકાય છે. નોકષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે; એટલે કે તેને સારું બાહ્ય કાંઈ કરવું પડતું નથી.