________________ 18 મુંબઈ, કા. વદ 12, 1956 ‘ઇનૉક્યુલેશન'- મરકીની રસી. રસીના નામે દાકતરોએ આ ધતિંગ ઊભું કર્યું છે. બિચારાં નિરપરાધી અશ્વ આદિને રસીના બહાને રિબાવી મારી નાખે છે, હિંસા કરી પાપને પોષે છે, પાપ ઉપાર્જે છે. પૂર્વે પાપાનુબંધી પુથ ઉપાર્યું છે, તે યોગે વર્તમાનમાં તે પુણ્ય ભોગવે છે, પણ પરિણામે પાપ વહોરે છે; તે બિચારા દાક્તરોને ખબર નથી. રસીથી દરદ દૂર થાય ત્યારની વાત ત્યારે, પણ અત્યારે હિંસા તો પ્રગટ છે. રસીથી એક કાઢતાં બીજુ દરદ પણ ઊભું થાય. 19 મુંબઈ, કાર્તિક વદ 12, 1956 પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી બેસી રહ્યું કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે. સામાન્ય જીવ સમપરિણામે વિકલ્પરહિતપણે પ્રારબ્ધ વેદી ન શકે, વિષમ પરિણામ થાય જ. માટે તે ન થવા દેવા, ઓછા થવા ઉદ્યમ સેવવો. સમપણું અને વિકલ્પરહિતપણું સત્સંગથી આવે અને વધે. 20 મોરબી, વૈ. સુદ 8, 1956 ‘ભગવદગીતા'માં પૂર્વાપર વિરોધ છે, તે અવલોકવા તે આપેલ છે. પૂર્વાપર શું વિરોધ છે તે અવલોકનથી જણાઈ આવશે. પૂર્વાપર અવિરોધ એવું દર્શન, એવાં વચન, તે વીતરાગનાં છે. ભગવદ્ગીતા પર ઘણાં ભાષ્ય, ટીકા રચાયાં છે - ‘વિદ્યારણ્યસ્વામી’ની ‘જ્ઞાનેશ્વરી’ આદિ. દરેક પોતપોતાની માનીનતા ઉપર ઉતારી ગયા છે. ‘થિયૉસૉફી’વાળી તમને આપેલી ઘણે ભાગે સ્પષ્ટ છે. મણિલાલ નભુભાઈએ ગીતા પર વિવેચનરૂપ ટીકા કરતાં મિશ્રતા બહુ આણી દીધી છે, સેળભેળ ખીચડો કર્યો છે. વિદ્વત્તા અને જ્ઞાન એ એક સમજવાનું નથી, એક નથી. વિદ્વત્તા હોય છતાં જ્ઞાન ન હોય. સાચી વિદ્વત્તા તે કે જે આત્માર્થે હોય, જેથી આત્માર્થ સરે, આત્મત્વ સમજાય, પમાય. આત્માર્થ હોય ત્યાં જ્ઞાન હોય, વિદ્વત્તા હોય વા ન પણ હોય. મણિભાઈ કહે છે (ષદર્શનસમુચ્ચયની પ્રસ્તાવનામાં) કે હરિભદ્રસૂરિને વેદાંતની ખબર ન હતી, વેદાંતની ખબર હોત તો એવી કુશાગ્રબુદ્ધિના હરિભદ્રસૂરિ જૈન તરફથી પોતાનું વલણ ફેરવી વેદાંતમાં ભળત. ગાઢ મતાભિનિવેશથી મણિભાઈનું આ વચન નીકળ્યું છે. હરિભદ્રસૂરિને વેદાંતની ખબર હતી કે નહીં એ મણિભાઈએ હરિભદ્રસૂરિનો ‘ધર્મસંગ્રહણી’ જોયો હોત તો ખબર પડત. હરિભદ્રસૂરિને વેદાંતાદિ બધાં દર્શનોની ખબર હતી. તે બધાં દર્શનોની પર્યાલોચનાપૂર્વક તેમણે જૈનદર્શનને પૂર્વાપર અવિરોધ પ્રતીત કર્યું હતું.