________________ પ્રતિમા નીરખી છેટેથી વંદન કર્યું. ત્રણ વાર પંચાંગ પ્રણામ કર્યા. શ્રી આનંદઘનજીનું શ્રી પદ્મપ્રભુનું સ્તવન સુમધુર, ગંભીર, સુસ્પષ્ટ ધ્વનિએ ગાયું. જિનપ્રતિમાનાં ચરણ તળાસ્યાં. એક નાની પંચધાતુની જિનપ્રતિમા કાયોત્સર્ગમુદ્રાની અંદરથી કોરી કાઢેલી હતી. તે સિદ્ધની અવસ્થામાં થતા ઘનની સૂચક હતી. તે અવગાહના બતાવી કહ્યું કે જે દેહે આત્મા સંપૂર્ણ સિદ્ધ થાય તે દેહપ્રમાણથી કિંચિત્ ન્યૂન જે ક્ષેત્રપ્રમાણ ઘન થાય તે અવગાહના. જીવો જુદા જુદા સિદ્ધ થયા. તે એક ક્ષેત્રે સ્થિત છતાં પ્રત્યેક જુદા જુદા છે. નિજ ક્ષેત્રઘનપ્રમાણ અવગાહનાએ છે. પ્રત્યેક સિદ્ધાત્માની જ્ઞાયક સત્તા લોકાલોકપ્રમાણ, લોકને જાણનાર છતાં લોકથી ભિન્ન છે. જુદા જુદા પ્રત્યેક દીવાનો પ્રકાશ એક થઈ ગયા છતાં દીવા જેમ જુદા જુદા છે, એ ન્યાયે પ્રત્યેક સિદ્ધ આત્મા જુદા જુદા છે. આ મુક્તાગિરિ આદિ તીર્થોની છબીઓ છે. આ ગોમટેશ્વર નામથી પ્રસિદ્ધ શ્રી બાહબળસ્વામીની પ્રતિમાની છબી છે. બેંગલોર પાસે એકાંત જંગલમાં ડુંગરમાંથી કોતરી કાઢેલી સિત્તેર ફૂટ ઊંચી આ ભવ્ય પ્રતિમા છે. આઠમા સૈકામાં શ્રી ચામુંડરાયે એની પ્રતિષ્ઠા કરી છે. અડોલ ધ્યાને કાઉસગમુદ્રાએ શ્રી બાહુબળજી અનિમેષનેત્રે ઊભા છે. હાથપગે વૃક્ષની વેલીઓ વીંટાઈ છતાં દેહભાનરહિત ધ્યાનસ્થ શ્રી બાહુબળજીને તેની ખબર નથી. કૈવલ્ય પ્રગટ થવા યોગ્ય દશા છતાં જરા માનનો અંકુરો નડ્યો છે. “વીરા મારા ગજ થકી ઊતરો.” એ માનરૂપી ગજથી ઊતરવાના પોતાની બહેનો બ્રાહ્મી અને સુંદરીના શબ્દો કર્ણગોચર થતાં સુવિચારે સજ્જ થઈ, માન મોડવા તૈયાર થતાં કૈવલ્ય પ્રગટ્યું. તે આ શ્રી બાહબળજીની ધ્યાનસ્થ મુદ્રા છે. (દર્શન કરી શ્રી મંદિરની જ્ઞાનશાળામાં) શ્રી ‘ગોમટસાર’ લઈ તેનો સ્વાધ્યાય કર્યો. શ્રી ‘પાંડવપુરાણ'માંનો પ્રદ્યુમ્ન અધિકાર વર્ણવ્યો. પ્રદ્યુમ્નનો વૈરાગ્ય ગાયો. વસુદેવે પૂર્વભવમાં સુરૂપ સંપન્ન થવાના નિયાણાપૂર્વક ઉગ્ર તપશ્ચર્યા કરી. ભાવનારૂપ તપશ્ચર્યા ફળી. સુરૂપસંપન્ન દેહ પામ્યા. તે સુરૂપ ઘણા વિક્ષેપનું કારણ થયું. સ્ત્રીઓ વ્યામોહ પામી પાછળ ફરવા લાગી. નિયાણાનો દોષ વસુદેવને પ્રત્યક્ષ થયો. વિક્ષેપથી છૂટવા ભાગી જવું પડ્યું.