________________ 918 તમે કેટલાંક પ્રશ્નો લખ્યાં તે પ્રશ્નોનું વવાણિયા, વૈશાખ, 1956 તમે કેટલાંક પ્રશ્નો લખ્યાં તે પ્રશ્નોનું સમાધાન સમાગમમાં સમજવું વિશેષ ઉપકારરૂપ જાણું છું. તોપણ કિંચિત સમાધાન અર્થે યથામતિ સંક્ષેપમાં તેના ઉત્તર અત્ર લખું છું. સપુરુષની યથાર્થ જ્ઞાનદશા, સમ્યકત્વદશા, ઉપશમદશા તે તો જે યથાર્થ મુમુક્ષુ જીવ સપુરુષના સમાગમમાં આવે તે જાણે કેમકે પ્રત્યક્ષ તે ત્રણે દશાનો લાભ શ્રી સપુરુષના ઉપદેશથી કેટલાક અંશે થાય છે. જેમના ઉપદેશે તેવી દશાના અંશો પ્રગટે તેમની પોતાની દશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હોવા જોઈએ તે વિચારવું સુગમ છે; અને એકાંત નયાત્મક જેમનો ઉપદેશ હોય તેથી તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવતી નથી તે પણ પ્રત્યક્ષ સમજાશે. પુરુષની વાણી સર્વ નયાત્મક વર્તે છે. બીજા પ્રશ્નોના ઉત્તર : પ્ર0- જિનઆજ્ઞાઆરાધક સ્વાધ્યાય ધ્યાનથી મોક્ષ છે કે શી રીતે ? ઉ૦- તથારૂપ પ્રત્યક્ષ સદગુરૂને યોગે અથવા કોઈ પૂર્વના દ્રઢ આરાધનથી જિનાજ્ઞા યથાર્થ સમજાય, યથાર્થ પ્રતીત થાય, અને યથાર્થ આરાધાય તો મોક્ષ થાય એમાં સંદેહ નથી. પ્ર0- જ્ઞાનપ્રજ્ઞાએ સર્વ વસ્તુ જાણેલી પ્રત્યાખ્યાનપ્રજ્ઞાએ પચ્ચખે તે પંડિત કહ્યા છે. ઉ0- તે યથાર્થ છે. જે જ્ઞાન કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો, તે જ્ઞાન અજ્ઞાન’ કહેવા યોગ્ય છે અર્થાત જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. પ્ર0- એકાંત જ્ઞાન માને તેને મિથ્યાત્વી કહ્યા છે. ઉ0- તે યથાર્થ છે. પ્ર0- એકાંત ક્રિયા માને તેને મિથ્યાત્વી કહ્યા છે. ઉ૦- તે યથાર્થ છે. પ્ર0- ચાર કારણ મોક્ષ જવાને કહ્યાં છે. તે ચારમાંથી એકે કારણ તોડીને મોક્ષે જાય કે ચાર કારણ સંયુક્તથી ? ઉ0- જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર કારણ મોક્ષના કહ્યાં છે, તે એક બીજાં અવિરોધપણે પ્રાપ્ત થયે મોક્ષ થાય. પ્ર0- સમકિત અધ્યાત્મની શૈલી શી રીતે છે ? ઉ0- યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માર્ગ છે. જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક અંશ છે. પ્ર0- પુગલસે રાતો રહે છે, - ઇ0. ઉ0- પુગલમાં રક્તમાનપણું તે મિથ્યાત્વભાવ છે.