________________ 913 અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે ધર્મપુર, ચૈત્ર વદ 4, બુધ, 1956 પત્ર સંપ્રાપ્ત થયું. અત્ર સમાધિ છે. અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે અને તે શાંત સ્વભાવથી વેચવામાં આવે છે એમ જાણવામાં હતું, અને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો. સમસ્ત સંસારી જીવો કર્મવશાત શાતા-અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. ક્વચિત અથવા કોઈક દેહસંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનયોગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે, અને જો હજુ તેનાં કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદાહરૂપ શાતા અને બાહ્યાભ્યતર સંક્લેશઅગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગoષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયોગ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. શાતા-અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણોને ગવેષતા એવા તે મહત પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદભવતી કે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતો. કેટલાક કારણવિશેષને યોગે વ્યવહારદ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા. ઉપયોગ લક્ષણે સનાતનમ્ફરિત એવા આત્માને દેહથી, તૈજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે.