________________ એક કરતૂતિ દોઇ દર્વ કબહૂ ન કરે, દોઇ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ; જીવ પુગલ એક ખેત અવગાહી દોઉ, અપનેં અપનેં રૂપ કોઉ ન કરતુ હૈ; જડ પરિનામનિકી કરતા હૈ પુદ્ગલ, ચિદાનન્દ ચેતન સુભાવ આચરતુ હૈ. શ્રી સોભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવો યોગ્ય છે. સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઇ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે. તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. શુદ્ધ સહજ આત્મસ્વરૂપ.