________________ કર્મબંધ પોતાનો જેવો સ્વભાવ છે તેવો દર્શાવે છે, જેમ ઔષધાદિનાં પુગલ પોતાનો સ્વભાવ દર્શાવે છે, તેમ ઔષધાદિની ઉત્પત્તિ આદિમાં થયેલી ક્રિયા, તેના કર્તાની જ્ઞાનાદિ વૃત્તિ તથા તે ગ્રહણકર્તાનાં જેવાં પરિણામ છે, તેનું જેવું જ્ઞાનાદિ છે, વૃત્તિ છે, તેને પોતાનો સ્વભાવ દર્શાવવાને યોગ્ય છે, તથારૂપ શુભ શુભ સ્વરૂપે અને અશુભ અશુભ સ્વરૂપે સફળ છે. ગૃહસ્થવ્યવહારમાં પણ પોતાના દેહે રોગાદિ થયે જેટલી મુખ્ય આત્મદ્રષ્ટિ રહે તેટલી રાખવી અને આર્તધ્યાનનું યથાદ્રષ્ટિએ જોતાં અવશ્ય પરિણામ આવવા યોગ્ય દેખાય અથવા આર્તધ્યાન ઊપજતું દેખાય તો ઔષધાદિ વ્યવહાર ગ્રહણ કરતાં નિરવદ્ય ( નિષ્પાપ ) ઔષધાદિની વૃત્તિ રાખવી. ક્વચિત પોતાને અર્થે અથવા પોતાને આશ્રિત એવા અથવા અનુકંપાયોગ્ય એવા પરજીવને અર્થે સાવદ્ય ઔષધાદિનું ગ્રહણ થાય તો તેનું સાવદ્યપણું નિર્ધ્વસ ( ક્રૂર ) પરિણામના હેતુ જેવું અથવા અધર્મ માર્ગને પોષે તેવું હોવું ન જોઈએ, એ લક્ષ રાખવા યોગ્ય છે. સર્વ જીવને હિતકારી એવી જ્ઞાની પુરુષની વાણીને કંઈ પણ એકાંત દ્રષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં, એ ઉપયોગ નિરંતર સ્મરણમાં રાખવા યોગ્ય છે.