________________ વર્તમાનકાળનું નામ દુષમકાળ છે. તેથી દુઃખે કરીને, - ઘણા અંતરાયથી, પ્રતિકૂળતાથી, સાધનનું દુર્લભપણું હોવાથી, - મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, પણ વર્તમાનમાં મોક્ષમાર્ગનો વિચ્છેદ છે, એમ ચિંતવવું જોઈતું નથી. પંચમકાળમાં થયેલા મહર્ષિઓએ પણ એમ જ કહ્યું છે. તે પ્રમાણે પણ અત્રે કહું છું. સૂત્ર અને બીજાં પ્રાચીન આચાર્યે તદનુસાર રચેલાં ઘણાં શાસ્ત્રો વિદ્યમાન છે. સુવિહિત પુરુષોએ તો હિતકારી મતિથી જ રચ્યાં છે. કોઈ મતવાદી, હઠવાદી અને શિથિલતાના પોષક પુરુષોએ રચેલાં કોઈ પુસ્તકો સૂત્રથી અથવા જિનાચારથી મળતાં ન આવતાં હોય અને પ્રયોજનની મર્યાદાથી બાહ્ય હોય, તે પુસ્તકોના ઉદાહરણથી પ્રાચીન સુવિહિત આચાર્યોનાં વચનોને ઉત્થાપવાનું પ્રયત્ન ભવભીરુ મહાત્માઓ કરતા નથી; પણ તેથી ઉપકાર થાય છે, એમ જાણી તેનું બહુમાન કરતા છતાં યથાયોગ્ય સદુપયોગ કરે છે. દિગંબર અને શ્વેતાંબર એવા બે ભેદ જિનદર્શનમાં મુખ્ય છે. મતદ્રષ્ટિથી તેમાં મોટો અંતર જોવામાં આવે છે. તત્વદ્રષ્ટિથી તેવો વિશેષ ભેદ જિનદર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે, જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે, તેમાં તેવો ભેદ નથી, માટે બન્ને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષો સમ્યદ્રષ્ટિથી જુએ છે; અને જેમ તત્વપ્રતીતિનો અંતરાય ઓછો થાય તેમ પ્રવર્તે છે. જૈનાભાસથી પ્રવર્તેલાં મતમતાંતરો બીજાં ઘણાં છે, તેનું સ્વરૂપ નિરૂપણ કરતાં પણ વૃત્તિ સંકોચાય છે. જેમાં મૂળ પ્રયોજનનું ભાન નથી, એટલું જ નહીં પણ મૂળ પ્રયોજનથી વિરુદ્ધ એવી પદ્ધતિનું અવલંબન વર્તે છે; તેને મુનિપણાનું સ્વપ્ન પણ ક્યાંથી ? કેમકે મૂળ પ્રયોજનને વિસારી ક્લેશમાં પડ્યા છે; અને જીવોને, પોતાની પૂજ્યતાદિને અર્થે, પરમાર્થમાર્ગનાં અંતરાયક છે. તે, મુનિનું લિંગ પણ ધરાવતા નથી, કેમકે સ્વકપોલરચનાથી તેમની સર્વ પ્રવૃત્તિ છે. જિનાગમ અથવા આચાર્યની પરંપરાનું નામ માત્ર તેમની પાસે છે, વસ્તુત્વે તો તે તેથી પરાડમુખ જ છે. એક તુમડા જેવી, દોરા જેવી અલ્પમાં અલ્પ વસ્તુના ગ્રહણત્યાગના આગ્રહથી જુદો માર્ગ ઉપજાવી કાઢી વર્તે છે, અને તીર્થનો ભેદ કરે છે, એવા મહામોહમૂઢ જીવ લિંગાભાસપણે પણ આજે વીતરાગના દર્શનને ઘેરી બેઠા છે, એ જ અસંયતિ પૂજા નામનું આશ્ચર્ય લાગે છે. મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષમાર્ગસન્મુખ કરવાની છે. લિંગાભાસી જીવો મોક્ષમાર્ગથી પરાડ઼મુખ કરવામાં પોતાનું બળ પ્રવર્તતું જાણી હર્ષાયમાન થાય છે, અને તે સર્વ કર્મપ્રકૃતિમાં વધતા અનુભાગ અને સ્થિતિબંધનું સ્થાનક છે એમ હું જાણું છું. [અપૂર્ણ