Book Title: Vachanamrut 0757 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 757 અનંત અવ્યાબાધ સુખમય પરમપદ નમઃ સિદ્ધભ્યઃ મોક્ષસિદ્ધાંત અનંત અવ્યાબાધ સુખમય પરમપદ તેની પ્રાપ્તિને અર્થે ભગવાન સર્વ નિરૂપણ કરેલો ‘મોક્ષસિદ્ધાંત' તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું. દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગના મહાનિધિ એવા વીતરાગ પ્રવચનને નમસ્કાર કરું છું. કર્મરૂપ વૈરીનો પરાજય કર્યો છે એવા અહંત ભગવાન; શુદ્ધ ચૈતન્યપદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન; જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન, દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રુત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન; મોક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું. શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર પર્યંત વર્તમાન ભરતક્ષેત્રના ચોવીશ તીર્થકરોના પરમ ઉપકારને વારંવાર સંભારું છું. શ્રીમાન વર્ધમાન જિન વર્તમાન કાળના ચરમ તીર્થંકરદેવની શિક્ષાથી હાલ મોક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે એ તેમના ઉપકારને સુવિહિત પુરુષો વારંવાર આશ્ચર્યમય દેખે છે. કાળના દોષથી અપાર શ્રુતસાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો અને બિંદુમાત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે. ઘણાં સ્થળો વિસર્જન થવાથી, ઘણાં સ્થળોમાં સ્થૂળ નિરૂપણ રહ્યું હોવાથી નિગ્રંથ ભગવાનના તે શ્રતનો પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યોને આ ક્ષેત્રે પ્રાપ્ત થતો નથી. ઘણા મતમતાંતરાદિ ઉત્પન્ન થવાનો હેતુ પણ એ જ છે, અને તેથી જ નિર્મળ આત્મતત્વના અભ્યાસી મહાત્માઓની અલ્પતા થઈ. શ્રત અલ્પ રહ્યા છતાં, મતમતાંતર ઘણાં છતાં, સમાધાનનાં કેટલાંક સાધનો પરોક્ષ છતાં, મહાત્માપુરુષોનું ક્વચિતત્વ છતાં, હે આર્યજનો ! સમ્યક્દર્શન, શ્રતનું રહસ્ય એવો પરમપદનો પંથ, આત્માનુભવના હેતુ, સમ્યકચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ પરમ હર્ષનું કારણ છે.Page Navigation
1