________________ જે જે કારણો કર્મબંધનાં છે, તે તે કર્મબંધનો માર્ગ છે, અને તે તે કારણોને છેદે એવી જ દશા છે તે મોક્ષનો માર્ગ છે, ભવનો અંત છે. 99 રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. 100 રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અર્થાત એ વિના કર્મનો બંધ ન થાય; તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. 100 આત્મા સત ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. 101 ‘સત’ એટલે ‘અવિનાશી', અને ચૈતન્યમય’ એટલે ‘સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય’ ‘અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો’, ‘કેવળ' એટલે ‘શુદ્ધ આત્મા’ પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષમાર્ગ છે. 101 કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. 102 કર્મ અનંત પ્રકારનાં છે, પણ તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. તે મોહનીય કર્મ હણાય તેનો પાઠ કહું છું. 102 કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. 103 તે મોહનીય કર્મ બે ભેદે છે:- એક ‘દર્શનમોહનીય’ એટલે ‘પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ'; બીજી ‘ચારિત્રમોહનીય'; ‘તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નોકષાય’ તે ચારિત્રમોહનીય. દર્શનમોહનીયને આત્મબોધ, અને ચારિત્રમોહનીયને વીતરાગપણે નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્થાબોધ તે દર્શનમોહનીય છે; તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. અને ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, - તે તેનો અચૂક ઉપાય છે, - તેમ બોધ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છે, માટે તે તેનો અચૂક ઉપાય છે. 103 કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? 104