________________ બ્રાહ્મણાદિ કઈ જાતિમાં મોક્ષ છે, અથવા કયા વેષમાં મોક્ષ છે, એનો નિશ્ચય પણ ન બની શકે એવો છે, કેમકે તેવા ઘણા ભેદો છે, અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. 94 તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ? 95 તેથી એમ જણાય છે કે મોક્ષનો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય ? અર્થાત જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે. 95 પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. 96 આપે પાંચે ઉત્તર કહ્યાં તેથી સર્વાગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે, પણ જો મોક્ષનો ઉપાય સમજું તો સદ્ભાગ્યનો ઉદય-ઉદય થાય. અત્રે ‘ઉદય’ ‘ઉદય’ બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મોક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. 96 સમાધાન - સગુણ ઉવાચ (મોક્ષનો ઉપાય છે, એમ સગુરૂ સમાધાન કરે છે :-) પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. 97 પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. અત્રે ‘થશે’ અને ‘સહજ’ એ બે શબ્દ સગુરૂએ કહ્યા છે તે જેને પાંચે પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષોપાય સમજાવો કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મોક્ષોપાય પરિણમશે એમ ભાસવાથી (તે વચન) કહ્યાં છે, એમ સદગુરૂનાં વચનનો આશય છે. 97 કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. 98 કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. 98 જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. 99