________________ જેમાં તે કોઈ રીતે પ્રવર્તતો જ નથી, તેવા ક્રોધાદિ ભાવ તેને સંપ્રાપ્ત થતા જ નથી; તેથી એમ જણાય છે કે નહીં ચિંતવેલાં અથવા આત્માથી નહીં પ્રવર્તેલાં એવાં કર્મોનું ગ્રહણ તેને થવા યોગ્ય નથી, એટલે એ બન્ને પ્રકારે અનાયાસ કર્મનું ગ્રહણ સિદ્ધ થતું નથી. ત્રીજો પ્રકાર ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી અનાયાસ કર્મનું ગ્રહણ થાય છે એમ કહીએ તો તે ઘટતું નથી. પ્રથમ તો ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે, અને એ પ્રસંગ પણ વિશેષ સમજવા યોગ્ય છે; તથાપિ અત્રે ઈશ્વર કે વિષ્ણુ આદિ કર્તાનો કોઈ રીતે સ્વીકાર કરી લઈએ છીએ, અને તે પર વિચાર કરીએ છીએ : જો ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તો તો જીવ નામનો વચ્ચે કોઈ પણ પદાર્થ રહ્યો નહીં, કેમકે પ્રેરણાદિ ધ કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તો ઈશ્વરકૃત ઠર્યા, અથવા ઈશ્વરના ગુણ ઠર્યાંતો પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહીં પણ આત્માનાં પોતાનાં જ કરેલાં હોવા યોગ્ય છે. તેમ ચોથો વિકલ્પ પ્રકૃત્યાદિ પરાણે વળગવાથી કર્મ થતાં હોય ? તે વિકલ્પ પણ યથાર્થ નથી. કેમકે પ્રકૃત્યાદિ જડ છે, તેને આત્મા ગ્રહણ ન કરે તો તે શી રીતે વળગવા યોગ્ય થાય ? અથવા દ્રવ્યકર્મનું બીજુ નામ પ્રકૃતિ છે; એટલે કર્મનું કર્તાપણું કર્મને જ કહેવા બરાબર થયું. તે તો પૂર્વે નિષેધી દેખાડ્યું છે. પ્રકૃતિ નહીં, તો અંતઃકરણાદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે, એમ કહીએ તો તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણાદિ પણ ચેતનની પ્રેરણા વિના અંતઃકરણાદિરૂપે પ્રથમ ઠરે જ ક્યાંથી ? ચેતન જે કર્મવળગણાનું, મનન કરવા, અવલંબન લે છે, તે અંત:કરણ છે. જો ચેતન મનન કરે નહીં, તો કંઈ તે વળગણામાં મનન કરવાનો ધર્મ નથી; તે તો માત્ર જડ છે. ચેતનની પ્રેરણાથી ચેતન તેને અવલંબીને કંઈ ગ્રહણ કરે છે તેથી તેના વિષે કર્તાપણું આરોપાય છે, પણ મુખ્યપણે તે ચેતન કર્મનો કર્તા છે. આ સ્થળે તમે વેદાંતાદિ દ્રષ્ટિએ વિચારશો તો અમારાં આ વાક્યો તમને ભ્રાંતિગત પુરુષનાં કહેલાં લાગશે. પણ હવે જે પ્રકાર કહ્યો છે તે સમજવાથી તમને તે વાક્યની યથાતથ્યતા લાગશે, અને ભાતિગતપણું ભાસ્યમાન નહીં થાય. જો કોઈ પણ પ્રકારે આત્માનું કર્મનું કર્તુત્વપણું ન હોય, તો કોઈ પણ પ્રકારે તેનું ભોસ્તૃત્વપણું પણ ન ઠરે, અને જ્યારે એમ જ હોય તો પછી તેમાં કોઈ પણ પ્રકારનાં દુઃખોનો સંભવ પણ ન જ થાય. જ્યારે કોઈ પણ પ્રકારનાં દુઃખોનો સંભવ આત્માને ન જ થતો હોય તો પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુઃખથી ક્ષય થવાનો જે માર્ગ ઉપદેશે છે તે શા માટે ઉપદેશે છે ? “જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં, ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય નહીં,’ એમ વેદાંતાદિ કહે છે, તે જો દુઃખ ન જ હોય તો તેની નિવૃત્તિનો ઉપાય શા માટે કહેવો જોઈએ ? અને કર્તુત્વપણું ન હોય, તો દુઃખનું ભોસ્તૃત્વપણું ક્યાંથી હોય ? એમ વિચાર કરવાથી કર્મનું કર્તુત્વ ઠરે છે. હવે અત્રે એક પ્રશ્ન થવા યોગ્ય છે અને તમે પણ તે પ્રશ્ન કર્યું છે કે “જો કર્મનું કર્તાપણું આત્માને માનીએ, તો તો આત્માનો તે ધર્મ ઠરે, અને જે જેનો ધર્મ હોય તે ક્યારે પણ ઉચ્છેદ થવા યોગ્ય નથી; અર્થાત તેનાથી