________________ જો ચેતનની પ્રેરણા ન હોય, તો કર્મ કોણ ગ્રહણ કરે ? પ્રેરણાપણે ગ્રહણ કરાવવારૂપ સ્વભાવ જડનો છે જ નહીં; અને એમ હોય તો ઘટ, પટાદિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવા જોઈએ અને કર્મના ગ્રહણકર્તા હોવા જોઈએ, પણ તેવો અનુભવ તો કોઈને ક્યારે પણ થતો નથી, જેથી ચેતન એટલે જીવ કર્મ ગ્રહણ કરે છે, એમ સિદ્ધ થાય છે, અને તે માટે કર્મનો કર્તા કહીએ છીએ. અર્થાત એમ જીવ કર્મનો કર્તા છે. ‘કર્મના કર્તા કર્મ કહેવાય કે કેમ ? તેનું પણ સમાધાન આથી થશે કે જડ કર્મમાં પ્રેરણારૂપ ધર્મ નહીં હોવાથી તે તે રીતે ગ્રહણ કરવાને અસમર્થ છે; અને કર્મનું કરવાપણું જીવન છે, કેમકે તેને વિષે પ્રેરણાશક્તિ છે. (74) જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ. 75 આત્મા જો કર્મ કરતો નથી, તો તે થતાં નથી, તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી, તેમ જ તે જીવનો ધર્મ પણ નહીં, કેમકે સ્વભાવનો નાશ થાય નહીં, અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં. એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ નહીં. ૭પ કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. 76 કેવળ જો અસંગ હોત, અર્થાત ક્યારે પણ તેને કર્મનું કરવાપણું ન હોત તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત ? પરમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. 76 કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષપ્રભાવ. 77 જગતનો અથવા જીવોનાં કર્મનો ઈશ્વર કર્તા કોઈ છે નહીં, શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે, અને તેને જો પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવો જોઈએ; માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. 77 હવે તમે અનાયાસથી તે કર્મો થતાં હોય, એમ કહ્યું તે વિચારીએ. અનાયાસ એટલે શું ? આત્માએ નહીં ચિંતવેલું ? અથવા આત્માનું કંઈ પણ કર્તુત્વ છતાં પ્રવર્તેલું નહીં ? અથવા ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી થયેલું ? અથવા પ્રકૃતિ પરાણે વળગે તેથી થયેલું ? એવા મુખ્ય ચાર વિકલ્પથી અનાયાસકર્તાપણું વિચારવા યોગ્ય છે. પ્રથમ વિકલ્પ આત્માએ નહીં ચિંતવેલું એવો છે. જો તેમ થતું હોય તો તો કર્મનું ગ્રહવાપણું રહેતું જ નથી, અને જ્યાં ગ્રહવાપણું રહે નહીં ત્યાં કર્મનું હોવાપણું સંભવતું નથી, અને જીવ તો પ્રત્યક્ષ ચિંતવન કરે છે, અને ગ્રહણાગ્રહણ કરે છે, એમ અનુભવ થાય છે.