________________ દેહ હોય જો આતમાં, ઘટે ન આમ વિકલ્પ. 56 દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થૂળ દેહને વિષે થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે, જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે. 5 જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્વયભાવ. 27 કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાના છે તે ચેતન, એવો બેયનો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો દૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. 57 આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. 58 આત્માની શંકા આત્મા આપે પોતે કરે છે. જે શંકાનો કરનાર છે, તે જ આત્મા છે. તે જણાતો નથી, એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે. 58 શંકા - શિષ્ય ઉવાચ (આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છે :-) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. 59 આત્માના હોવાપણા વિષે આપે જે જે પ્રકાર કહ્યા તેનો અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય છે. 59 બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. 60 પણ બીજી એમ શંકા થાય છે, કે આત્મા છે તોપણ તે અવિનાશ એટલે નિત્ય નથી; ત્રણે કાળ હોય એવો પદાર્થ નથી, માત્ર દેહના સંયોગથી ઉત્પન્ન થાય, અને વિયોગે વિનાશ પામે. 60 અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. 61 અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી. 61