________________ 717 આત્માર્થી ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, શ્રી આણંદ, આસો સુદ 3, શુક્ર, 1952 આત્માર્થી ભાઈ શ્રી મોહનલાલ' પ્રત્યે, ડરબન તમારો લખેલો કાગળ મળ્યો હતો. આ કાગળથી ટૂંકામાં ઉત્તર લખ્યો છે. નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સદવૃત્તિઓ વિશેષતા પામી છે, એમ પ્રતીતિ થાય છે, પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઇચ્છા તેમાં હેતુભૂત છે. રાજકોટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરું, એમ માનવામાં હાનિ નથી, કેમકે તમારી સરળતા સાચવવામાં અંગત વિપ્નનો ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણું કરીને નહીં; પણ જેની સદવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય અથવા નિર્બળ હોય, અને તેને ઇંગ્લંડાદિ દેશમાં સ્વતંત્રપણે રહેવાનું હોય, તો અભક્ષ્યાદિ વિષેમાં તે દોષિત થાય એમ લાગે છે. જેમ તમને નાતાલક્ષેત્રમાં પ્રપંચનો વિશેષ યોગ નહીં હોવાથી તમારી સદવૃત્તિઓ વિશેષતા પામી, તેમ રાજકોટ જેવામાં કઠણ પડે એ યથાર્થ છે; પણ કોઈ સારા આર્યક્ષેત્રમાં સત્સંગાદિ યોગમાં તમારી વૃત્તિઓ નાતાલ કરતાં પણ વિશેષતા પામત એમ સંભવે છે. તમારી વૃત્તિઓ જોતાં તમને નાતાલ અનાર્યક્ષેત્રરૂપે અસર કરે એવું મારી માન્યતામાં ઘણું કરીને નથી; પણ સત્સંગાદિ યોગની ઘણું કરીને પ્રાપ્તિ ન થાય તેથી કેટલુંક આત્મનિરાકરણ ન થાય તે રૂપ હાનિ માનવી કંઈક વિશેષ યોગ્ય લાગે છે. અત્રેથી ‘આર્ય આચારવિચાર' સાચવવા સંબંધી લખ્યું હતું તે આવા ભાવાર્થમાં લખ્યું હતું - ‘આર્ય આચાર’ એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણોનું આચરવું તે; અને ‘આર્ય વિચાર’ એટલે મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાનકાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનનાં કારણો, તે કારણોની નિવૃત્તિ, અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ અભાન એવા નિજપદને વિષે સ્વાભાવિક સ્થિતિ થવી તે. એમ સંક્ષેપે મુખ્ય અર્થથી તે શબ્દો લખ્યા છે. વર્ણાશ્રમાદિ, વર્ણાશ્રમાદિપૂર્વક આચાર તે સદાચારના અંગભૂત જેવા છે. વર્ણાશ્રમાદિપૂર્વક વિશેષ પારમાર્થિક હેતુ વિના તો વર્તવું યોગ્ય છે, એમ વિચારસિદ્ધ છે, જોકે વર્ણાશ્રમધર્મ વર્તમાનમાં બહુ નિર્બળ સ્થિતિને પામ્યો છે, તો પણ આપણે તો જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્યાગદશા ન પામીએ, અને જ્યાં સુધી ગૃહાશ્રમમાં વાસ હોય ત્યાં સુધી તો વાણિયારૂપ વર્ણધર્મને અનુસરવો તે યોગ્ય છે, કેમકે અભક્ષ્યાદિ ગ્રહણનો તેનો વ્યવહાર નથી. ત્યારે એમ આશંકા થવા યોગ્ય છે કે “લુહાણા પણ તે રીતે વર્તે છે, તો તેના અન્નાહારાદિ ગ્રહણ કરતાં શું હાનિ ?' તો તેના ઉત્તરમાં એટલું જણાવવું યોગ્ય થઈ શકે કે વગર કારણે તેવી રીતિ પણ બદલાવવી ઘટતી નથી, કેમકે તેથી પછી બીજા સમાગમવાસી કે પ્રસંગાદિ આપણી રીતિ જોનાર ગમે તે વર્ણનું ખાતાં બાધ નથી એવા ઉપદેશના નિમિત્તને પામે. લુહાણાને ત્યાં અન્નાહાર લેવાથી વર્ણધર્મ હાનિ પામતો નથી; 1 મહાત્મા ગાંધીજીયા