________________ પણ મુસલમાનને ત્યાં અન્નાહાર લેતાં તો વર્ણધર્મની હાનિનો વિશેષ સંભવ છે, અને વર્ણધર્મ લોપવારૂપ દોષ કરવા જેવું થાય છે. આપણે કંઈ લોકના ઉપકારાદિ હેતુથી તેમ વર્તવું થતું હોય, અને રસલુબ્ધતા બુદ્ધિથી તેમ વર્તવું ન થતું હોય, તોપણ બીજા તેનું અનુકરણ તે હેતુને સમજ્યા વિના ઘણું કરીને કરે, અને અંતે અભસ્યાદિ ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે એવાં નિમિત્તનો હેતુ આપણે તે આચરણ છે. માટે તેમ નહીં વર્તવું તે. એટલે મુસલમાનાદિના અન્નાહારાદિનું ગ્રહણ નહીં કરવું તે, ઉત્તમ છે. તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે, પણ તેથી ઊતરતી વૃત્તિ હોય તો તે જ પોતે અભક્ષ્યાદિ આહારના યોગને ઘણું કરીને તે રસ્તે પામે. માટે એ પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્તવ્ય છે. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાના સ્થાનકો છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ, નહીં તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે તેમ જ અભક્ષ્ય પર વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિનાં નહીં અનુમોદનને અર્થે, અભક્ષ્યાદિ ગ્રહણ કરનારનો આહારાદિ અર્થે પરિચય ન રાખવો જોઈએ. જ્ઞાનદ્રષ્ટિએ જોતાં જ્ઞાત્યાદિ ભેદનું વિશેષાદિપણું જણાતું નથી, પણ ભક્ષ્યાભસ્યભેદનો તો ત્યાં પણ વિચાર કર્તવ્ય છે, અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. કેટલાંક કાર્યો એવા હોય છે કે તેમાં પ્રત્યક્ષ દોષ હોતો નથી, અથવા તેથી દોષ થતો હોતો નથી, પણ તેને અંગે બીજા દોષોનો આશ્રય હોય છે, તે પણ વિચારવાનને લક્ષ રાખવો ઉચિત છે. નાતાલના લોકોના ઉપકાર અર્થે કદાપિ તમારું એમ પ્રવર્તવું થાય છે એમ પણ નિશ્ચય ન ગણાય; જો બીજા કોઈ પણ સ્થળે તેવું વર્તન કરતાં બાધ ભાસે, અને વર્તવાનું ન બને તો માત્ર તે હેત ગણાય. વળી તે લોકોના ઉપકાર અર્થે વર્તવું જોઈએ એમ વિચારવામાં પણ કંઈક તમારા સમજવાફેર થતું હશે એમ લાગ્યા કરે છે. તમારી સવૃત્તિની કંઈક પ્રતીતિ છે એટલે આ વિષે વધારે લખવું યોગ્ય દેખાતું નથી. જેમ સદાચાર અને સદ્વિચાર આરાધન થાય તેમ પ્રવર્તવું યોગ્ય છે. બીજી ઊતરતી જ્ઞાતિઓ અથવા મુસલમાનાદિના કોઈ તેવાં નિમંત્રણોમાં અન્નાહારાદિને બદલે નહીં રાંધેલો એવો ફળાહાર આદિ લેતાં તે લોકોનો ઉપકાર સાચવવાનો સંભવ રહેતો હોય, તો તેમ અનુસરો તો સારું છે. એ જ વિનંતિ.