________________ યોગ્ય નથી; તમે પણ તેને આત્મા જોવાનું યંત્ર સમજ્યા નથી, એમ જાણીએ છીએ; તથાપિ કાર્મણ કે તૈજસ શરીર દેખાવા યોગ્ય છે કે કંઈ બીજો ભાસ થવા યોગ્ય છે, તે જાણવાની જિજ્ઞાસા જણાય છે. કાર્મણ કે તૈજસ્ શરીર પણ તે રીતે દેખાવા યોગ્ય નથી. પણ ચક્ષુ, પ્રકાશ, તે યંત્ર, મરનારનો દેહ, અને તેની છાયા કે કોઈ આભાસવિશેષથી તેવો દેખાવ થવો સંભવે છે. તે યંત્ર વિષે વધારે વ્યાખ્યા પ્રસિદ્ધિમાં આવ્યું પૂર્વાપર આ વાત જાણવામાં ઘણું કરીને આવશે. હવાના પરમાણુઓ દેખાવા વિષેમાં પણ કંઈક તેઓના લખવાની વ્યાખ્યા કે જોયેલા સ્વરૂપની વ્યાખ્યા કરવામાં પર્યાયાંતર લાગે છે. હવાથી ગતિ પામેલા કોઈ પરમાણુસ્કંધ (વ્યાવહારિક પરમાણુ, કંઈક વિશેષ પ્રયોગે દ્રષ્ટિગોચર થઈ શકવા યોગ્ય હોય તે) દ્રષ્ટિગોચર થવા સંભવે છે; હજુ તેની વધારે કૃતિ પ્રસિદ્ધ થયે સમાધાન વિશેષપણે કરવું યોગ્ય લાગે છે.