________________ કેવળજ્ઞાનની માન્યતા હોય, તો યોગરહિતપણું હોવાથી તેમાં સંભવી શકે છે, એટલું પ્રતિપાદન કરવાને અર્થે લખ્યું છે, સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવાને લખ્યું નથી. જોકે જિનાગમના રૂઢિઅર્થ પ્રમાણે જોતાં તો ‘દેહધારી કેવળી’ અને ‘સિદ્ધાને વિષે કેવળજ્ઞાનનો ભેદ થતો નથી, બેયને સર્વ દેશકાળાદિનું સંપર્ણ જ્ઞાન હોય એમ રૂઢિઅર્થ છે. બીજી અપેક્ષાથી જિનાગમ જોતાં જુદી રીતે દેખાય છે. જિનાગમમાં આ પ્રમાણે પાઠાર્થો જોવામાં આવે છે :“કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું. તે આ પ્રમાણે :- ‘સયોગી ભવસ્થ કેવળજ્ઞાન’, ‘અયોગી ભવસ્થ કેવળજ્ઞાન.” સયોગી કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે :- પ્રથમ સમય એટલે ઊપજતી વખતનું સયોગી કેવળજ્ઞાન; અપ્રથમ સમય એટલે અયોગી થવાના પ્રવેશસમય પહેલાંનું કેવળજ્ઞાન; એમ અયોગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે :- પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ એટલે સિદ્ધ થવા પહેલાંના છેલ્લા સમયનું કેવળજ્ઞાન.” એ આદિ પ્રકારે કેવળજ્ઞાનના ભેદ જિનાગમમાં કહ્યા છે, તેનો પરમાર્થ શો હોવો જોઈએ ? કદાપિ એમ સમાધાન કરીએ કે બાહ્ય કારણની અપેક્ષાથી કેવળજ્ઞાનના ભેદ બતાવ્યા છે, તો ત્યાં એમ શંકા કરવા યોગ્ય છે કે ‘કશો પણ પુરુષાર્થ સિદ્ધ થતો ન હોય અને જેમાં વિકલ્પનો અવકાશ ન હોય તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવતી નથી. પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ સમય કેવળજ્ઞાન એવો ભેદ પાડતાં કેવળજ્ઞાનનું તારતમ્ય વધતું ઘટતું હોય તો તે ભેદ સંભવે, પણ તારતમ્યમાં તેમ નથી, ત્યારે ભેદ પાડવાનું કારણ શું ?' એ આદિ પ્રશ્ન અત્રે સંભવે છે, તે પર અને પ્રથમના પત્ર પર યથાશક્તિ વિચાર કર્તવ્ય છે.