Book Title: Vachanamrut 0694
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 694 શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક તમારો લખેલો કાગ મુંબઈ, અસાડ સુદ 2, રવિ, 1952 આત્માર્થી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક તમારો લખેલો કાગળ તથા શ્રી લહેરાભાઈનો લખેલો કાગળ પહોંચ્યાં છે. શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક શ્રી સોભાગે લખ્યું કે નિશ્ચય અને વ્યવહારનાં અપેક્ષિતપણાથી જિનાગમ તથા વેદાંતાદિ દર્શનમાં વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી મોક્ષની ના તથા હા કહી હોવાનો સંભવ છે, એ વિચાર વિશેષ અપેક્ષાથી યથાર્થ દેખાય છે, અને લહેરાભાઈએ જણાવ્યું છે કે વર્તમાનકાળમાં સંઘયણાદિ હીન થવાનાં કારણથી કેવળજ્ઞાનનો નિષેધ કર્યો છે, તે પણ અપેક્ષિત છે. આગળ પર વિશેષાર્થ લક્ષગત થવા માટે ગયા પત્રના પ્રશ્નને કંઈક સ્પષ્ટતાથી લખીએ છીએ - જેવો કેવળજ્ઞાનનો અર્થ વર્તમાનમાં જિનાગમથી વર્તમાન જૈનસમૂહને વિષે ચાલે છે, તેવો જ તેનો અર્થ તમને યથાર્થ ભાસે છે કે કંઈ બીજો અર્થ ભાસે છે ? સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળજ્ઞાનીને હોય એમ જિનાગમનો હાલ રૂઢિઅર્થ છે; બીજાં દર્શનમાં એવો મુખ્યાર્થ નથી, અને જિનાગમથી તેવો મુખ્યાર્થ લોકોમાં હાલ પ્રચલિત છે. તે જ કેવળજ્ઞાનનો અર્થ હોય તો તેમાં કેટલાક વિરોધ દેખાય છે. જે બધા અત્રે લખી શકવાનું બની શક્યું નથી. તેમ જે વિરોધ લખ્યા છે તે પણ વિશેષ વિસ્તારથી લખવાનું બન્યું નથી, કેમકે તે યથાવસરે લખવા યોગ્ય લાગે છે. જે લખ્યું છે તે ઉપકારદ્રષ્ટિથી લખ્યું છે એમ લક્ષ રાખશો. યોગધારીપણું એટલે મન, વચન અને કાયાસહિત સ્થિતિ હોવાથી આહારાદિ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપયોગમાંતર થવાથી કંઈ પણ વૃત્તિનો એટલે ઉપયોગનો તેમાં નિરોધ થાય. એક વખતે બે ઉપયોગ કોઈને વર્તે નહીં એવો સિદ્ધાંત છે; ત્યારે આહારાદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળજ્ઞાનીનો ઉપયોગ કેવળજ્ઞાનના શેય પ્રત્યે વર્તે નહીં, અને જો એમ બને તો કેવળજ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, તે પ્રતિહત થયું ગણાય. અત્રે કદાપિ એમ સમાધાન કરીએ કે, આરસીને વિષે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે, તેમ કેવળજ્ઞાનને વિષે સર્વ દેશકાળ પ્રતિબિંબત થાય છે, કેવળજ્ઞાની તેમાં ઉપયોગ દઈને જાણે છે એમ નથી. સહજસ્વભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાસ્યા કરે છે, માટે આહારાદિમાં ઉપયોગ વર્તતાં સહજસ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું યથાર્થ છે, તો ત્યાં પ્રશ્ન થવા યોગ્ય છે કે : ‘આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી, અને અત્રે તો કેવળજ્ઞાનીને તેનું જ્ઞાન છે એમ કહ્યું છે, અને ઉપયોગ સિવાય આત્માનું બીજુ એવું કયું સ્વરૂપ છે કે આહારાદિમાં ઉપયોગ પ્રવર્યો હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યોગ્ય ક્ષેય આત્મા તેથી જાણે ?' સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળીને હોય તે કેવળી ‘સિદ્ધ’ને કહીએ તો સંભવિત થવા યોગ્ય ગણાય, કેમકે તેને યોગધારીપણું કહ્યું નથી. આમાં પણ પ્રશ્ન થવા યોગ્ય છે, તથાપિ યોગધારીની અપેક્ષાથી સિદ્ધને વિષે તેવા

Loading...

Page Navigation
1