________________ મૃત્યુભય હોત તોપણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હોત તોપણ જેટલા પૂર્વે વિચારવાનો થયા છે, તેટલા ન થાત, અર્થાત્ વૃદ્ધાવસ્થા સુધી તો મૃત્યુનો ભય નથી એમ દેખીને, પ્રમાદસહિત વર્તત; મૃત્યુનું અવશ્ય આવવું દેખીને, તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને તે પ્રસંગ પ્રાપ્ત થયે, સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને, પરમાર્થ વિચારવામાં અપ્રમત્તપણું જ હિતકારી લાગ્યું, અને સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું. વિચારવાન પુરુષોનો તે નિશ્ચય નિઃસંદેહ સત્ય છે; ત્રણે કાળ સત્ય છે. મૂછંભાવનો ખેદ ત્યાગીને અસંગભાવપ્રત્યયી ખેદ વિચારવાનને કર્તવ્ય છે. જો આ સંસારને વિષે આવા પ્રસંગોનો સંભવ ન હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, અશરણાદિપણું ન હોત તો પંચવિષયનાં સુખસાધનનું કશું ન્યૂનપણું પ્રાયે નહોતું, એવા શ્રી ઋષભદેવાદિ પરમપુરુષો, અને ભરતાદિ ચક્રવર્યાદિઓ તેનો શા કારણે ત્યાગ કરત ? એકાંત અસંગપણું શા કારણે ભજત ? હે આર્ય માણેકચંદાદિ, યથાર્થ વિચારના ઓછાપણાને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના અને મૂછને લીધે, તમને કંઈ પણ ખેદવિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે, તોપણ તે ખેદનું બેયને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાયે નથી એમ વિચારી, થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાનીપુરુષોના વચનામૃતથી, તથા સાધુપુરુષના આશ્રય, સમાગમાદિથી અને વિરતિથી ઉપશાંત કરવો, એ જ કર્તવ્ય છે.