________________ 689 સુંદરલાલે વૈશાખ વદિ એકમે દેહ છોડ્યાના વવાણિયા, વૈશાખ વદ 6, રવિ, 1952 આર્ય શ્રી માણેકચંદાદિ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. સુંદરલાલે વૈશાખ વદિ એકમે દેહ છોડ્યાના ખબર લખ્યા તે વાંચ્યા. વિશેષ કાળની માંદગી વિના, યુવાન અવસ્થામાં અકસ્માત દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે, તો પછી જેણે કુટુંબાદિ સંબંધસ્નેહે મૂછ કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રયભાવના રાખી હોય, તેને ખેદ થયા વિના કેમ રહે? આ સંસારમાં મનુષ્યપ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસંગમાંનો એક આ મોટો ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદવિશેષને પ્રાપ્ત થાય છે, અને યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્યવિશેષ થાય છે, સંસારનું અશરણપણું, અનિત્યપણું અને અસારપણું વિશેષ દ્રઢ થાય છે. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂછભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે, અને વૈરાગ્યરૂપ ખેથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે, અને તે સત્ય છે. મૂછંભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂર્છા થાય છે તે પણ અવિચારદશાનું ફળ છે, એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છાભાવ પ્રત્યયી પેદને શમાવે છે, અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી, કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી, અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે, એટલે તેને અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું, અને તુચ્છપણું તેમ જ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિષે કંઈ પણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂર્છા વર્તતી હોય તો તે ત્યાગ કર, ત્યાગ કર, તે મૂર્છાનું કંઈ ફળ નથી, સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થતું નથી, અને અવિચારપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી, જે મોહ અનંત જન્મમરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર, તેનો ક્ષય કર. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી, એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે, તેને આ જ પ્રકારે ભાસે છે. આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજ તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે, ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે, માત્ર કોઈક વિચારવાન અથવા સુલભબોધી કે હળુકર્મી જીવને તે ભય પરથી અવિનાશી નિઃશ્રેયસ પદ પ્રત્યે વૃત્તિ થાય છે.