________________ સોનાના ઘાટ જુદા જુદા છે; પણ તે ઘાટનો જો ઢાળ પાડવામાં આવે તો તે બધા ઘાટ મટી જઈ એક સોનું જ અવશેષ રહે છે, અર્થાત્ સૌ ઘાટ જુદાં જુદાં દ્રવ્યપણાનો ત્યાગ કરી દે છે અને સૌ ઘાટની જાતિનું સજાતીયપણું હોવાથી માત્ર એક સોનારૂપ દ્રવ્યપણાને પામે છે. એ પ્રમાણે દ્રષ્ટાંત લખી આત્માની મુક્તિ અને દ્રવ્યપણાના સિદ્ધાંત ઉપર પ્રશ્ન કર્યું છે, તે સંબંધમાં સંક્ષેપમાં જણાવવા યોગ્ય આ પ્રકારે છે : સોનું ઉપચારિક દ્રવ્ય છે એવો જિનનો અભિપ્રાય છે, અને અનંત પરમાણુના સમુદાયપણે તે વર્તે છે ત્યારે ચક્ષગોચર થાય છે. જુદા જુદા તેના જે ઘાટ બની શકે છે તે સર્વે સંયોગભાવી છે, અને પાછા ભેળા કરી શકાય છે તે, તે જ કારણથી છે. પણ સોનાનું મૂળ સ્વરૂપ જોઈએ તો અનંત પરમાણુ સમુદાય છે. જે પ્રત્યેક પ્રત્યેક પરમાણુઓ છે તે સૌ પોતપોતાના સ્વરૂપમાં જ રહ્યાં છે. કોઈ પણ પરમાણુ પોતાનું સ્વરૂપ તજી દઈ બીજા પરમાણપણે કોઈ પણ રીતે પરિણમવા યોગ્ય નથી, માત્ર તેઓ એકજાતિ હોવાથી અને તેને વિષે સ્પર્શગુણ હોવાથી તે સ્પર્શના સમવિષમયોગે તેનું મળવું થઈ શકે છે, પણ તે મળવું કંઈ એવું નથી, કે જેમાં કોઈ પણ પરમાણુએ પોતાનું સ્વરૂપ તર્યું હોય. કરોડો પ્રકારે તે અનંત પરમાણુરૂપ સોનાના ઘાટોને એક રસપણે કરો, તોપણ સૌ સૌ પરમાણુ પોતાના જ સ્વરૂપમાં રહે છે, પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ત્યજતાં નથી; કેમકે તેવું બનવાનો કોઈ પણ રીતે અનુભવ થઈ શકતો નથી. તે સોનાના અનંત પરમાણુ પ્રમાણે સિદ્ધ અનંતની અવગાહના ગણો તો અડચણ નથી, પણ તેથી કંઈ કોઈ પણ જીવે કોઈ પણ બીજા જીવની સાથે કેવળ એકત્વપણે ભળી જવાપણું કર્યું છે એમ છે જ નહીં. સૌ નિજભાવમાં સ્થિતિ કરીને જ વર્તી શકે. જીવે જીવની જાતિ એક હોય તેથી કંઈ એક જીવ છે તે પોતાપણું ત્યાગી બીજા જીવોના સમુદાયમાં ભળી સ્વરૂપનો ત્યાગ કરી દે, એમ બનવાનો શો હેતુ છે ? તેનાં પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, કર્મબંધ અને મુક્તાવસ્થા એ અનાદિથી ભિન્ન છે, અને મુક્તાવસ્થામાં પાછાં તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો ત્યાગ કરે, તો પછી તેનું પોતાનું સ્વરૂપ શું રહ્યું ? તેને શો અનુભવ રહ્યો? અને પોતાનું સ્વરૂપ જવાથી તેની કર્મથી મુક્તિ થઈ, કે પોતાના સ્વરૂપથી મુક્તિ થઈ ? એ પ્રકાર વિચારવા યોગ્ય છે. એ આદિ પ્રકારે કેવળ એકપણું જિને નિષેધ્યું છે. અત્યારે વખત નહીં હોવાથી એટલું લખી પત્ર પૂરું કરવું પડે છે. એ જ વિનંતિ. આ૦ સ્વ૦ પ્રણામ.