________________ કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી અવ્યાબાધ ગુણને પણ માત્ર સંબંધ આવરણ છે, સાક્ષાત્ આવરણ નથી. વેદના વેદતાં જીવને કંઈ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે; પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી, પૂર્વોપાર્જિત અજ્ઞાનનું ફળ છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધરૂપ છે; તેને વેદતાં જ્ઞાનીને અવિષમપણું છે એટલે જીવ ને કાયા જુદાં છે, એવો જે જ્ઞાનયોગ તે જ્ઞાનીપુરુષનો અબાધ જ રહે છે. માત્ર વિષમભાવરહિતપણું છે, એ પ્રકાર જ્ઞાનને અવ્યાબાધ છે. વિષમભાવ છે તે જ્ઞાનને બાધકારક છે. દેહમાં દેહબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ, દેહથી ઉદાસીનતા અને આત્મામાં સ્થિતિ છે, એવા જ્ઞાનીપુરુષનો વેદના ઉદય તે પ્રારબ્ધ વેદવારૂપ છે; નવા કર્મનો હેતુ નથી. બીજું પ્રશ્નઃ પરમાત્મસ્વરૂપ સર્વ ઠેકાણે સરખું છે, સિદ્ધ અને સંસારી જીવ સરખા છે, ત્યારે સિદ્ધની સ્તુતિ કરતાં કંઈ બાધ છે કે કેમ ? એ પ્રકારનું પ્રશ્ન છે. પરમાત્મસ્વરૂપ પ્રથમ વિચારવા યોગ્ય છે. વ્યાપકપણે પરમાત્મસ્વરૂપ સર્વત્ર છે કે કેમ ? તે વાત વિચારવા યોગ્ય છે. સિદ્ધ અને સંસારી જીવો એ સમસત્તાવાનસ્વરૂપે છે એ નિશ્ચય જ્ઞાની પુરુષોએ કર્યો છે તે યથાર્થ છે. તથાપિ ભેદ એટલો છે કે સિદ્ધને વિષે તે સત્તા પ્રગટપણે છે, સંસારી જીવને વિષે તે સત્તા સત્તાપણે છે. જેમ દીવાને વિષે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિષે અગ્નિ સત્તાપણે છે, તે પ્રકારે. દીવાને વિષે અને ચકમકને વિષે જે અગ્નિ છે તે અગ્નિપણે સમ છે, વ્યક્તિપણે (પ્રગટતા) અને શક્તિ(સત્તામાં)પણે ભેદ છે, પણ વસ્તુની જાતિપણે ભેદ નથી, તે પ્રકારે સિદ્ધના જીવન વિષે જે ચેતનસત્તા છે તે જ સૌ સંસારી જીવને વિષે છે. ભેદ માત્ર પ્રગટ અપ્રગટપણાનો છે. જેને તે ચેતનસત્તા પ્રગટી નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાનો હેતુ, પ્રગટસત્તા જેને વિષે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ, તે વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે, કેમકે તેથી આત્માને નિજસ્વરૂપનો વિચાર, ધ્યાન, સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે કે જે કર્તવ્ય છે. સિદ્ધસ્વરૂપ જેવું આત્મસ્વરૂપ છે એવું વિચારીને અને આ આત્માને વિષે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેનો અભાવ કરવા તે સિદ્ધસ્વરૂપનો વિચાર, ધ્યાન તથા સ્તુતિ ઘટે છે. એ પ્રકાર જાણી સિદ્ધની સ્તુતિ કરતાં કંઈ બાધ જણાતો નથી. આત્મસ્વરૂપમાં જગત નથી, એવી વેદાંતે વાત કહી છે અથવા એમ ઘટે છે, પણ બાહ્ય જગત નથી એવો અર્થ માત્ર જીવને ઉપશમ થવા અર્થે માનવો યોગ્ય ગણાય. એમ એ ત્રણ પ્રશ્નોનું સંક્ષેપ સમાધાન લખ્યું છે, તે વિશેષ કરી વિચારશો. વિશેષ કંઈ સમાધાન જાણવા ઇચ્છા થાય તે લખશો. જેમ વૈરાગ્ય ઉપશમનું વર્ધમાનપણું થાય તેમ હાલ તો કર્તવ્ય છે.