________________ 509 શ્રી સૂર્યપુરસ્થિત, શુભવૃત્તિસંપન્ન મોહમયી, અષાડ સુદ 6, રવિ, 1950 શ્રી સૂર્યપુરસ્થિત, શુભવૃત્તિસંપન્ન, સત્સંગયોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે, યથાયોગ્યપૂર્વક વિનંતી કે : પત્ર પ્રાપ્ત થયું છે. તેની સાથે ત્રણ પ્રશ્નો છૂટાં લખ્યાં છે, તે પણ પ્રાપ્ત થયાં છે. જે ત્રણ પ્રશ્નો લખ્યાં છે તે પ્રશ્નો મુમુક્ષુ જીવને વિચારવા હિતકારી છે. જીવ, કાયા પદાર્થપણે જુદાં છે, પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. શ્રી જિને જીવ અને કર્મનો ક્ષીરનીરની પેઠે સંબંધ કહ્યો છે તેનો હેતુ પણ એ જ છે કે, ક્ષીર અને નીર એકત્ર થયાં સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જુદાં છે; પદાર્થપણે ભિન્ન છે; અગ્નિપ્રયોગે તે પાછાં સ્પષ્ટ જુદાં પડે છે; તેમ જ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે, અને જીવ ઇંદ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે, પણ જ્ઞાનદશા આવ્યા વિના જીવ, કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી; તથાપિ શીરનીરવત્ જુદાપણું છે. જ્ઞાનસંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. હવે ત્યાં એમ પ્રશ્ન કર્યું છે કે, જો જ્ઞાન કરી જીવ ને કાયા જુદાં જાણ્યાં છે, તો પછી વેદનાનું વેદવું અને માનવું શાથી થાય છે? તે પછી થવું ન જોઈએ, એ પ્રશ્ન જો કે થાય છે; તથાપિ તેનું સમાધાન આ પ્રકારે છે :સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ અમુક વખત સુધી તપ્યા રહે છે, અને પછી સ્વરૂપને ભજે છે, તેમ પૂર્વના અજ્ઞાન સંસ્કારથી ઉપાર્જિત કરેલા એવા વેદનાદિ તાપ તેનો આ જીવને સંબંધ છે. જ્ઞાનયોગનો કોઈ હેતુ થયો તો પછી અજ્ઞાન નાશ પામે છે, અને તેથી ઉત્પન્ન થનારું એવું ભાવિકર્મ નાશ પામે છે, પણ તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું એવું વેદનીય કર્મ તે અજ્ઞાનના સૂર્યની પેઠે અસ્ત થયા પછી પથ્થરરૂપ એવા આ જીવને સંબંધમાં છે, જે આયુષ્યકર્મના નાશથી નાશ પામે છે. ભેદ એટલો છે કે, જ્ઞાની પુરુષને કાયાને વિષે આત્મબુદ્ધિ થતી નથી, અને આત્માને વિષે કાયાબુદ્ધિ થતી નથી, બેય સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે; માત્ર પૂર્વ સંબંધ, જેમ પથ્થરને સૂર્યના તાપનો પ્રસંગ છે તેની પેઠે, હોવાથી વેદનીયકર્મ આયુષ-પૂર્ણતા સુધી અવિષમભાવે વેદવું થાય છે, પણ તે વેદના વેદતાં જીવને સ્વરૂપજ્ઞાનનો ભંગ થતો નથી, અથવા જો થાય છે તો તે જીવને તેવું સ્વરૂપજ્ઞાન સંભવતું નથી. આત્મજ્ઞાન હોવાથી પૂર્વોપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી, તે તેની સ્થિતિએ નાશ પામે. વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી, અવ્યાબાધપણાને આવરણરૂપ છે; અથવા ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાધપણું પ્રગટતું નથી; પણ સંપૂર્ણજ્ઞાન સાથે તેને વિરોધ નથી. સંપૂર્ણ જ્ઞાનીને આત્મા અવ્યાબાધ છે એવો નિજરૂપ અનુભવ વર્તે છે, તથાપિ સંબંધપણે જોતાં તેનું અવ્યાબાધપણું વેદનીય કર્મથી અમુક ભાવે રોકાયેલ છે. જોકે તે