________________ પરિણામી કર્યો હોય છે, તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે, અને તે પણ સંપૂર્ણ જ્ઞાનદશાનું કાર્ય નથી. અમે જે આ લખ્યું છે, તે બહુ વિચારવાથી સમજાશે. અમારા વિષે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનયોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યદ્રષ્ટિપણું તો જરૂર સંભવે છે. કોઈ પ્રકારનો સિદ્ધિજોગ અમે ક્યારે પણ સાધવાનો આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભરતો નથી, એટલે સાધને કરી તેવો જોગ પ્રગટ્યો હોય એવું જણાતું નથી. આત્માના વિશુદ્ધપણાના કારણે જો કંઈ તેવું ઐશ્વર્ય હોય તો તેનું નહીં હોવાપણું કહી શકાતું નથી. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે; તથાપિ આ પત્ર લખતી વખતે એ ઐશ્વર્યની સ્મૃતિ થઈ છે, નહીં તો ઘણા કાળ થયાં તેમ થવું સ્મરણમાં નથી, તો પછી તે સ્ફરિત કરવા વિષેની ઇચ્છા ક્યારેય થઈ હોય એમ કહી શકાય નહીં. એ સ્પષ્ટ વાર્તા છે. તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના ચૌદ વર્ષનાં દુઃખનો એક દિવસ પણ નથી. પાંડવના તેર વર્ષનાં દુ:ખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી, તો પછી અમને એ અત્યંત કારણ ક્યારેય જણાવું સંભવતું નથી તમે શોચ કરવા યોગ્ય નથી, તેમ છતાં કરો છો. તે વાર્તા તમારાથી ન લખાય તે લખાઈ જાય છે. તે ન લખવા વિષે અમારો આ પત્રથી ઉપદેશ નથી, માત્ર જે થાય તે જોયા કરવું, એવો નિશ્ચય રાખવાનો વિચાર કરો; ઉપયોગ કરો, અને સાક્ષી રહો, એ જ ઉપદેશ છે. નમસ્કાર પહોંચે.