________________ 437 આ જગતને વિષે જેને વિષે વિચારશક્તિ વાચા સહિત વર્તે છે આ જગતને વિષે જેને વિષે વિચારશક્તિ વાચા સહિત વર્તે છે, એવાં મનુષ્યપ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે; તથાપિ પ્રાયે જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યાં છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી જન્મમરણનો માર્ગ આરાધવો પડ્યો છે. અનાદિ એવા આ લોકને વિષે જીવની અનંતકોટી સંખ્યા છે; સમયે સમયે અનંત પ્રકારની જન્મમરણાદિ સ્થિતિ તે જીવોને વિષે વર્યા કરે છે; એવો અનંતકાળ પૂર્વે વ્યતીત થયો છે. અનંતકોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે, કે જેને પ્રાપ્ત થયું છે, એવા જીવ અત્યંત થોડા થયા છે, વર્તમાને તેમ છે, અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે, તેમ જ છે. અર્થાત કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે; એવો જે શ્રી તીર્થંકરદેવાદિ જ્ઞાનીનો ઉપદેશ તે સત્ય છે. એવી, જીવસમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે, એમ જ છે; તે ભ્રાંતિ એ કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે; એક પારમાર્થિક અને એક વ્યાવહારિક; અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષતા આવી નથી; એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી; સપુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી; તેવા તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે, અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું, અને અસત્કર્શનને વિષે સન્દર્શનરૂપ ભ્રાંતિ તે છે. ‘આત્મા નામનો કોઈ પદાર્થ નથી', એવો એક અભિપ્રાય ધરાવે છે, ‘આત્મા નામનો પદાર્થ સંયોગિક છે', એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો સમુદાય સ્વીકારે છે, ‘આત્મા દેહસ્થિતિરૂપ છે, દેહની સ્થિતિ પછી નથી', એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો છે. ‘આત્મા અણુ છે', “આત્મા સર્વવ્યાપક છે’, ‘આત્મા શૂન્ય છે’, ‘આત્મા સાકાર છે’, ‘આત્મા પ્રકાશરૂપ છે’, ‘આત્મા સ્વતંત્ર નથી’, ‘આત્મા કર્તા નથી’, ‘આત્મા કર્તા છે ભોક્તા નથી’, ‘આત્મા કર્તા નથી ભોક્તા છે’, ‘આત્મા કર્તા નથી ભોક્તા નથી’, ‘આત્મા જડ છે’, ‘આત્મા કૃત્રિમ છે', એ આદિ અનંત નય જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસદર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. તે તે ઉપર જણાવ્યાં એકાંત-અયથાર્થપદે જાણી આત્માને વિષે અથવા આત્માને નામે ઈશ્વરાદિ વિષે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે, એવું જે અસત્સંગ, નિજેચ્છાપણું અને મિથ્યાદર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ ક્લેશ રહિત એવો શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થવો ઘટતો નથી, અને તે અસત્સંગાદિ ટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, અને પરમાર્થસ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા યોગ્ય છે. પૂર્વે થયા એવા જે તીર્થંકરાદિ જ્ઞાની પુરુષો તેમણે ઉપર કહી એવી જે ભ્રાંતિ તેનો અત્યંત વિચાર કરી, અત્યંત એકાગ્રપણે, તન્મયપણે જીવસ્વરૂપને વિચારી, જીવસ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી છે, તે આત્મા અને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકરાદિએ સર્વ પ્રકારની ભ્રાંતિરહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે. આત્માને એક પણ અણુના આહારપરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિષે સ્પષ્ટ એવો