________________ વર્તવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ તો છે, અને જો તેને તે પ્રભાવજોગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તો તે પુરુષ આત્મસ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિષે વર્તે છે, એમ જાણીએ છીએ. કહેવાનો હેતુ એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવજોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થકરને વિષે ઘટે છે, હોય છે, તથાપિ તેને વિકાસવાનો એક અંશ પણ તેને વિષે ઘટતો નથી; સ્વાભાવિક કોઈ પુણ્યપ્રકારવશાત સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ કહેવું અસંભવિત નથી; અને તીર્થકરપદને તે બાધરૂપ નથી. જે તીર્થકર છે, તે આત્મસ્વરૂપ વિના અન્ય પ્રભાવાદિને કરે નહીં, અને જે કરે તે આત્મારૂપ એવા તીર્થકર કહેવા યોગ્ય નહીં, એમ જાણીએ છીએ, એમ જ છે. જિનનાં કહેલાં શાસ્ત્રો જે ગણાય છે, તેને વિષે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે, અને તેમાં મુખ્ય એવા કેવળજ્ઞાનાદિ દશ બોલ છે; અને તે દશ બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિષે ‘સર્વથા મુક્તપણું ન હોય’ એમ બતાવવાનો છે. તે દશ બોલ પ્રાપ્ત હોય, અથવા એક બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમશરીરી જીવ કહેવો ઘટે એમ જાણી, તે વાત વિચ્છેદરૂપ ગણી છે, તથાપિ તેમ એકાંત જ કહેવા યોગ્ય નથી, એમ અમને ભાસે છે, એમ જ છે, કારણ કે ક્ષાયિક સમકિતનો એને વિષે નિષેધ છે, તે ચરમશરીરીને જ હોય એમ તો ઘટતું નથી; અથવા તેમ એકાંત નથી. મહાભાગ્ય એવા શ્રેણિક ક્ષાયિક સમકિતી છતાં ચરમશરીરી નહોતા એવું તે જ જિનશાસ્ત્રોને વિષે કથન છે. જિનકલ્પીવિહાર વ્યવચ્છેદ, એમ શ્વેતાંબરનું કથન છે; દિગંબરનું કથન નથી. ‘સર્વથા મોક્ષ થવો’ એમ આ કાળે બને નહીં એમ બેયનો અભિપ્રાય છે; તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. ચરમશરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવનયે ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે. વિશેષ શું કહીએ ? એ કેવળ એકાંત નથી. કદાપિ એકાંત હો તોપણ આગમ જેણે ભાખ્યાં છે, તે જ આશયી સત્પરષ કરી તે ગમ્ય કરવા યોગ્ય છે, અને તે જ આત્મસ્થિતિનો ઉપાય છે. એ જ વિનંતિ. ગોશળિયાને યથાયોગ્ય.