________________ આ વાત અત્યારે આથી વિશેષ લખાવી અશક્ય છે. જો કોઈ પ્રસંગે અમારો સમાગમ થાય તો ત્યારે તમે તે વિષે પૂછશો અને કંઈ વિશેષ કહેવા યોગ્ય પ્રસંગ હશે તો કહી શકવાનો સંભવ છે. દીક્ષા લેવા વારંવાર ઇચ્છા થતી હોય તોપણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી, અને કલ્યાણ શું અને તે કેમ હોય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી. એ પ્રકારમાં અનંતકાળ થયાં ભૂલ થતી આવી છે, માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે. અત્યારે એ જ વિનંતી. રાયચંદના નિષ્કામ યથાયોગ્ય.