________________ 401 જીવને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ મુંબઈ, ભાદરવા સુદ 1, ભોમ, 1948 ૐ સંત શુભવૃત્તિ મણિલાલ, બોટાદ. તમારા વૈરાગ્યાદિ વિચારોવાળું એક પત્ર ત્રણેક દિવસ પહેલાં સવિસ્તર મળ્યું છે. જીવને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ; અને તે સાથે શમ, દમ, વિવેકાદિ સાધનો અનુક્રમે ઉત્પન્ન થવારૂપ જોગ પ્રાપ્ત થાય તો જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે, એમ જાણીએ છીએ. (ઉપલી લીટીમાં ‘જોગ’ શબ્દ લખ્યો છે તેનો અર્થ પ્રસંગ અથવા સત્સંગ એવો કરવો.) અનંતકાળ થયાં જીવનું સંસારને વિષે પરિભ્રમણ છે, અને એ પરિભ્રમણને વિષે એણે અનંત એવાં જપ, તપ, વૈરાગ્યાદિ સાધનો કર્યા જણાય છે, તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે, એવાં એક્કે સાધન થઈ શક્યાં હોય એમ જણાતું નથી. એવાં તપ, જપ, કે વૈરાગ્ય અથવા બીજાં સાધનો તે માત્ર સંસારરૂપ થયાં છે; તેમ થયું તે શા કારણથી ? એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે. (આ સ્થળને વિષે કોઈ પણ પ્રકારે જપ, તપ, વૈરાગ્યાદિ સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયાં છે, તેનો હેતુ શો હશે ? તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે, એવા જીવને વિષે વૈરાગ્યાદિ સાધન તો ખચીત હોય છે.) શ્રી સુભાગ્યભાઈના કહેવાથી તમે, આ પત્ર જેના તરફથી લખવામાં આવ્યો છે તે માટે, જે કંઈ શ્રવણ કર્યું છે, તે તેમનું કહેવું યથાતથ્ય છે કે કેમ ? તે પણ નિર્ધાર કરવા જેવી વાત છે. નિરંતર અમારા સત્સંગને વિષે રહેવા સંબંધી તમારી જે ઇચ્છા છે, તે વિષે હાલ કાંઈ લખી શકાવું અશક્ય છે. તમારા જાણવામાં આવ્યું હોવું જોઈએ કે અત્ર અમારું જે રહેવું થાય છે તે ઉપાધિપૂર્વક થાય છે, અને તે ઉપાધિ એવા પ્રકારથી છે કે તેવા પ્રસંગમાં શ્રી તીર્થકર જેવા પુરુષ વિષેનો નિર્ધાર કરવો હોય તોપણ વિકટ પડે, કારણ કે અનાદિકાળથી માત્ર જીવને બાહ્યપ્રવૃત્તિ અથવા બાહ્યનિવૃત્તિનું ઓળખાણ છે; અને તેના આધારે જ તે પુરુષ, અસપુરુષ કલ્પતો આવેલ છે; કદાપિ કોઈ સત્સંગના યોગે જીવને ‘સપુરુષ આ છે’ એવું જાણવામાં આવે છે, તોપણ પછી તેમનો બાહ્યપ્રવૃત્તિરૂપ યોગ દેખીને જેવો જોઈએ તેવો નિશ્ચય રહેતો નથી; અથવા તો નિરંતર વધતો એવો ભક્તિભાવ નથી રહેતો; અને વખતે તો સંદેહને પ્રાપ્ત થઈ જીવ તેવા સપુરુષના યોગને ત્યાગી જેની બાહ્યનિવૃત્તિ જણાય છે એવા અસપુરુષને દ્રઢાગ્રહે સેવે છે; માટે નિવૃત્તિપ્રસંગ જે કાળમાં સત્પરુષને વર્તતો હોય તેવા પ્રસંગમાં તેમની સમીપનો વાસ તે જીવને વિશેષ હિતકર જાણીએ છીએ.