________________ અને ફરી તેવો જોગ થયે તેવું વિમુખપણું ઘણું કરીને બળવાનપણાને પામે છે. એમ ન થવા દેવા અને આ ભવને વિષે તેમને તેવો જોગ જો અજાણપણે પ્રાપ્ત થાય તો વખતે શ્રેયને પામશે એમ ધારણા રાખી, અંતરંગમાં એવા સત્પરષને પ્રગટ રાખી બાહ્યપ્રદેશે ગુપ્તપણું રાખવું વધારે યોગ્ય છે. તે ગુપ્તપણે માયાકપટ નથી; કારણ કે તેમ વર્તવા વિષે માયાકપટનો હેતુ નથી; તેના ભવિષ્યકલ્યાણનો હેતુ છે, જે તેમ હોય તે માયાકપટ ન હોય એમ જાણીએ છીએ. જેને દર્શનમોહનીય ઉદયપણે, બળવાનપણે વર્તે છે, એવા જીવને માત્ર સપુરુષાદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું, એ તેનું અને ઉપયોગ રાખનાર એ બન્નેના કલ્યાણનું કારણ છે. જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળપરિણામે પરમ ઉપયોગદ્રષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થકર કહે છે, અને તે વાક્યો જિનાગમને વિષે છે. ઘણા જીવો તે વાક્યો શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય એવા જીવો તો ક્વચિત્ જોવામાં આવે છે; પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે. તેનાં પરિણામમાં આવતાં તેને વખત લાગતો નથી, કારણ કે અનાદિકાળથી મોહ નામનો મદિરા તેના ‘આત્મા'માં પરિણામ પામ્યો છે; માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ, યથાબળવીર્યે ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર તે પ્રકારે વર્તવું યોગ્ય છે. કદાપિ એમ ધારો કે ‘ક્ષાયિક સમકિત આ કાળમાં ન હોય’ એવું સ્પષ્ટ જિનના આગમને વિષે લખ્યું છે; હવે તે જીવે વિચારવું યોગ્ય છે કે “ક્ષાયિક સમકિત એટલે શું સમજવું ?' જેમાં એક નવકારમંત્ર જેટલું પણ વ્રત, પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ વિશેષ તો ત્રણ ભવે અને નહીં તો તે જ ભવે પરમપદને પામે છે, એવી મોટી આશ્ચર્યકારક તો તે સમકિતની વ્યાખ્યા છે, ત્યારે હવે એવી તે કઈ દશા સમજવી કે જે ‘સાયિક સમકિત' કહેવાય ? ‘ભગવાન તીર્થકરને વિષે દ્રઢ શ્રદ્ધા’ એનું નામ જો ‘ક્ષાયિક સમકિત’ એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી, કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચીત આ કાળમાં હોય જ નહીં. જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને ‘ક્ષાયિક સમકિત’ કહ્યું છે, તો પછી તે નથી, એમ માત્ર જિનાગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ. હવે એમ ધારો કે તે શબ્દો બીજા આશયે કહેવાયા છે; અથવા કોઈ પાછળના કાળના વિસર્જનદોષે લખાયા છે, તો તેને વિષે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય તે સખેદકરુણાએ વિચારવા યોગ્ય છે. હાલ જેને જિનસૂત્રોને નામે ઓળખવામાં આવે છે, તેમાં ‘ક્ષાયિક સમકિત નથી’ એવું સ્પષ્ટ લખેલું નથી, અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે, એમ વાંચેલું છે, અને સાંભળેલું છે; અને તે વાક્ય મિથ્યા છે કે મૃષા છે એમ અમારો અભિપ્રાય નથી, તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાયે જ લખ્યું છે, એમ અમને લાગતું નથી. કદાપિ એમ ધારો કે તે વાક્ય એકાંત એમ જ હોય તોપણ