________________ 394 મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત; મુંબઈ, શ્રાવણ વદ 10, 1948 મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત; મને મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત; તેમ શ્રતધર્મે રે મન દ્રઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.. -ધન, ઘર સંબંધી બીજાં સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દનો અર્થ) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરતારને વિષે લીન છે, તેમ સમ્યફદ્રષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્યપ્રસંગે વર્તવું પડતાં છતાં, જ્ઞાનીસંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશધર્મ તેને વિષે લીનપણે વર્તે છે. સમસ્ત સંસારને વિષે સ્ત્રીપુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે, તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો પ્રેમ એ કોઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે, અને એમાં પણ પતિવ્રતા એવી સ્ત્રીનો પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનને વિષે પણ પ્રધાન એવો ગણવામાં આવ્યો છે. તે સ્નેહ એવો પ્રધાનપ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે ? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દ્રષ્ટાંતને ગ્રહણ કર્યું છે, એવો સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિષે પણ પ્રધાન ગણ્યો છે કે બીજાં બધાં ઘરસંબંધી (અને બીજાં પણ) કામ કરતાં છતાં તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિષે જ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે વર્તે છે, એટલા માટે. પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તો સંસારપ્રત્યયી છે, અને અત્ર તો તે અસંસારપ્રત્યયી કરવાને અર્થે કહેવું છે, માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે, તે કહીએ છીએ. તે સ્નેહ તો પતિવ્રતારૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે, અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, ત્યારે “કાંતા” એવા નામની સમકિત સંબંધી જે દ્રષ્ટિ તેને વિષે તે જીવ સ્થિત છે, એમ જાણીએ છીએ. એવા અર્થને વિષે પૂરિત એવાં એ બે પદ છે; તે પદ તો ભક્તિપ્રધાન છે, તથાપિ તે પ્રકારે ગૂઢ આશયે જીવનું નિદિધ્યાસન ન થાય તો ક્વચિત બીજું એવું પદ તે જ્ઞાનપ્રધાન જેવું ભાસે છે, અને તમને ભાસશે એમ જાણી તે બીજા પદનો તેવા પ્રકારનો ભાસ બાધ થવાને અર્થે ફરી પત્રની પૂર્ણતાએ માત્ર પ્રથમનું એક જ પદ લખી પ્રધાનપણે ભક્તિને જણાવી છે. ભક્તિપ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છેદાદિ દોષ સુગમપણે વિલય થાય છે, એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષોનો છે.