________________ 329 ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઇચ્છતું નથી મુંબઈ, માહ વદ, 1948 ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઇચ્છતું નથી. તથાપિ તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે; તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત સમાધિ જ છે. આ દેહ ધારણ કરીને જોકે કોઈ મહાન શ્રીમતપણું ભોગવ્યું નથી, શબ્દાદિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી, કોઈ વિશેષ એવા રાજ્યાધિકાર સહિત દિવસ ગાળ્યા નથી, પોતાનાં ગણાય છે એવાં કોઈ ધામ, આરામ સેવ્યાં નથી, અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે, તથાપિ એ કોઈની આત્મભાવે અમને કંઈ ઇચ્છા ઉત્પન્ન થતી નથી, એ એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ; અને એ પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ બન્ને સમાન થયાં જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે, કોઈ પ્રકારનો લોકપરિચય રુચિકર થતો નથી, સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે છે, અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિ યોગમાં રહીએ છીએ. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી. જ્યોતિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ એ માયિક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત જ થાય છે. તે વાટે કોઈ વાત જાણવાનું અથવા સિદ્ધ કરવાનું ક્યારેય યોગ્ય લાગતું નથી, અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તો ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી. પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે, તે તે પ્રકારે' .... અનુક્રમે વેદન કર્યા જવાં એમ કરવું યોગ્ય લાગ્યું તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય તોપણ તેમ પ્રવર્તવાનો અભ્યાસ રાખજો અને કોઈ પણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો; એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. 1 કાગળ ફાટવાથી અક્ષર ઊડી ગયા છે.