________________ સર્વનો દોષ અમને છે કે હરિને છે, એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ; જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ. - જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે, અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઇચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી. () સમજાય છે, સમજીએ છીએ, સમજશું, પણ હરિ જ સર્વત્ર કારણરૂપ છે. જે મુનિને આપ સમજાવવા ઇચ્છો છો, તે હાલ જોગ્ય છે, એમ અમે જાણતા નથી. અમારી દશા મંદ જોગ્યને હાલ લાભ કરે તેવી નથી, અમે એવી જંજાળ હાલ ઇચ્છતા નથી; રાખી નથી; અને તેઓ બધાનો કેમ વહીવટ ચાલે છે, એનું સ્મરણ નથી. તેમ છતાં અમને એ બધાની અનુકંપા આવ્યા કરે છે, તેમનાથી અથવા પ્રાણીમાત્રથી, મનથી ભિન્ન ભાવ રાખ્યો નથી, અને રાખ્યો રહે તેમ નથી. ભક્તિવાળાં પુસ્તકો ક્વચિત ક્વચિત વાંચીએ છીએ; પણ જે સઘળું કરીએ છીએ તે ઠેકાણા વગરની દશાથી કરીએ છીએ. અમે હાલમાં ઘણું કરીને આપના કાગળોનો વખતસર ઉત્તર લખી શકતા નથી, તેમ જ પૂરા ખુલાસાથી પણ લખતા નથી, તે જોકે યોગ્ય તો નથી; પણ હરિની એમ ઇચ્છા છે, જેથી તેમ કરીએ છીએ. હવે જ્યારે સમાગમ થશે, ત્યારે અમારો એ દોષ આપને ક્ષમા કરવો પડશે એવી અમારી ખાતરી છે. અને તે ત્યારે મનાશે કે જ્યારે તમારો સંગ હવે ફરી થશે. તે સંગ ઇચ્છીએ છીએ, પણ જેવા જોગે થવો જોઈએ, તેવા જોગે થવો દુર્લભ છે. ભાદરવામાં જે આપે ઇચ્છા રાખી છે, તેથી કંઈ અમારી પ્રતિકૂળતા નથી, અનુકૂળતા છે, પણ તે સમાગમમાં જે જોગ ઇચ્છીએ છીએ તે જો થવા દેવા હરિની ઇચ્છા હોય અને સમાગમ થાય તો જ અમારો ખેદ મટે એમ માનીએ છીએ. દશાનું ટૂંકું વર્ણન વાંચીને, આપને ઉત્તર લખાયા ન હોય તે માટે ક્ષમા આપવાની વિજ્ઞાપના કરું છું. પ્રભુની પરમ કૃપા છે. અમને કોઈથી ભિન્ન ભાવ રહ્યો નથી; કોઈ વિષે દોષબુદ્ધિ આવતી નથી; મુનિ વિષે અમને કોઈ હલકો વિચાર નથી; પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડ્યા છે. એકલું બીજજ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણા મુમુક્ષુઓની દશા નથી. ‘સિદ્ધાંતજ્ઞાન’ સાથે જોઈએ, એ ‘સિદ્ધાંતજ્ઞાન’ અમારા હૃદયને વિષે આવરિતરૂપે પડ્યું છે. હરિઇચ્છા જો પ્રગટ થવા દેવાની હશે તો થશે. અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે, અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઇચ્છાનું કારણ છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ